Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં ટેક્સના ન ભરનારા સામે RTO ની કાર્યવાહી
૬૫૦૦ અને વસ્ત્રાલ RTO માં ૧૮૦૦ કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટેડ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં રોડ ટેક્સ ન ભરનારા વાહન માલિકો સામે RTO દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષથી રોડ ટેક્સ ચૂકવવામાં નિષ્ફળ રહેલા અંદાજે ૮,૩૦૦ કોમર્શિયલ વાહનોને RTO વિભાગે બ્લેકલિસ્ટ કર્યા છે. આ પગલાંથી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન માલિકોમાં હલચલ મચી ગઈ છે અને વિભાગ તરફથી વધુ કડક ચકાસણી હાથ ધરવામાં આવી છે.

RTO વિભાગે બ્લેકલિસ્ટ કરાયેલા તમામ વાહન માલિકોને લેખિત નોટિસ પાઠવી છે. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે જો બાકી રહેલો રોડ ટેક્સ દંડ સાથે સમયસર ભરવામાં આવશે તો વાહનને બ્લેકલિસ્ટમાંથી મુક્તિ આપવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ પૂર્વ RTO કચેરી હેઠળ ૬,૫૦૦ અને વસ્ત્રાલ RTO કચેરી હેઠળ ૧,૮૦૦ કોમર્શિયલ વાહનો બ્લેકલિસ્ટ કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
નિયમોનું પાલન ન કરનારા વાહન માલિકો સામે કડક પગલાં લેવાશે
RTO અધિકારીઓના જણાવ્યા અનુસાર લાંબા સમયથી ટેક્સ બાકી રહેવાના કારણે સરકારને નોંધપાત્ર આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. ઘણા વાહન માલિકો નિયમિત રીતે વાહન ચલાવતા હોવા છતાં ટેક્સ ચૂકવતા નહોતા, જેના કારણે રાજ્યની આવક પર અસર પડી હતી. હાલની કડક કાર્યવાહી બાદ ટેક્સ વસૂલાતમાં નોંધપાત્ર વધારો થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ, ભવિષ્યમાં નિયમોનું પાલન ન કરનારા વાહન માલિકો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ RTO વિભાગ દ્વારા આપવામાં આવી છે.