Last Updated on by Sampurna Samachar
આત્મહત્યા કરનારની ઓળખ આનંદ કે. થંપી તરીકે થઇ
અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળના તિરુવનંતપુરમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકરનો મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો છે. તેની ઓળખ આનંદ કે. થંપી તરીકે થઇ છે. તેણે આત્મહત્યા કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે કહ્યું કે અમે આ મામલે વધુ તપાસ કરી રહ્યા છીએ.

આનંદ કેરળની રાજધાની તિરુવનંતપુરમના ત્રિક્કણ્ણપુરમનો રહેવાશી હતો. તેનો મૃતદેહ ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. આ સમાચાર ફેલાતા જ સમગ્ર વિસ્તારમાં સન્નાટો પ્રસરી ગયો હતો.
ભાજપ અને આરએસએસ સામે આરોપ મૂક્યા
કેરળ પોલીસ કહે છે કે કેરળમાં ટૂંક સમયમાં જ સ્થાનિક એકમની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં આનંદને ત્રિક્કણ્ણપુરમથી ટિકિટ જોઈતી હતી. તે ભાજપ દ્વારા ટિકિટ ઈચ્છતો હતો પરંતુ તેની ઉમેદવારી નકારી દેવામાં આવી હતી. જેનાથી નિરાશ થઈને તેણે આ પગલું ભર્યું હોવાનું મનાય છે.
જોકે ભાજપે પોલીસના આ તમામ દાવાઓને ફગાવી દીધા હતા. ભાજપનું કહેવું છે કે આનંદે ચૂંટણી ટિકિટ માટે અમારી સાથે કોઈ વાત જ નથી કરી અને ન તો પાર્ટીને આ મામલે કોઈ જાણકારી હતી. જોકે ભાજપે આનંદના મૃત્યુ અંગે શંકાઓ પણ વ્યક્ત કરી છે.
પોલીસે કહ્યું કે ભાજપે સોશિયલ મીડિયા પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. જેમાં આનંદનું નામ નહોતું. આત્મહત્યા પહેલા તેણે મિત્રને વોટ્સએપ પર મેસેજ કરતાં ભાજપ અને આરએસએસ સામે આરોપ મૂક્યા હતા. તેણે મિત્રને જણાવ્યું હતું કે તે શનિવારે બપોરે જીવન ટૂંકાવી દેશે.