Last Updated on by Sampurna Samachar
ભારતની સુરક્ષા માટે આર્ત્મનિભર બનવું જરૂરી
હુમલાના ગુનેગારો સામે પણ કડક કાર્યવાહી કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાગપુરમાં RSS સર સંઘચાલક ડૉ. મોહન ભાગવતે કાર્યકર્તા વિકાસ વર્ગ (II) ના સમાપન સમારોહમાં કહ્યું હતું કે, “ આપણે આપણી સુરક્ષાના મામલે ‘આર્ત્મનિભર’ રહેવું જોઈએ અને આ માટે સેના, સરકાર-પ્રશાસનની સાથે સામાજિક બળ પણ જરૂરી છે.” પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી લેવાયેલી કાર્યવાહીએ દેશની સંરક્ષણ અને રક્ષણાત્મક સંશોધન ક્ષમતાઓને સાબિત કરી છે.
આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને સામાજિક કાર્યકર અરવિંદ નેતામ હાજર રહ્યા હતા. વિદર્ભ પ્રાંત સંઘચાલક દીપક તમશેટ્ટીવાર, વર્ગના સર્વાધિકારી સમીર કુમાર મહંતી અને નાગપુર મહાનગર સંઘચાલક રાજેશ લોયા મંચ પર હાજર રહ્યા હતા.
કેન્દ્ર સરકારે નક્સલવાદ પર અસરકારક કામ કર્યું
સર સંઘચાલકે કહ્યું કે, પહેલગામમાં થયેલા ઘાતકી હુમલા બાદ સમગ્ર દેશ ગુસ્સાની લહેર ફેલાઈ ગઈ હતી. હુમલાના ગુનેગારો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનામાં સમગ્ર દેશ એક થયો અને રાજકીય મતભેદોને ભૂલીને સહકારનો હાથ લંબાવ્યો હતો. દેશભક્તિના આ વાતાવરણમાં આપણે આપણા પરસ્પર મતભેદોને પણ પાછળ છોડી દીધા હતા. જોકે, આ કાર્યવાહી પછી પણ સમસ્યાનો અંત આવ્યો નથી અને હજુ પણ કટોકટી યથાવત છે.
આતંકવાદ અને સાયબર યુદ્ધના આધારે પ્રોક્સી યુદ્ધ ચાલી રહ્યું છે. આના લીધે વિશ્વના અન્ય દેશોની પણ કસોટી થઈ રહી છે. કોણ સત્ય સાથે ઉભું છે અને કોણ સ્વાર્થી સાથે તેની પણ કસોટી થઈ રહી છે. આપણે આપણા રક્ષણ માટે આર્ત્મનિભર બનવું પડશે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશ સામે થઈ રહેલા સંકટોને ધ્યાનમાં રાખીને સમાજમાં એકતા જાળવવી જરૂરી છે. સમાજમાં સંઘર્ષ ટાળવા માટે પ્રયાસો કરવા પડશે તેમજ સદભાવના જાળવી રાખવી પડશે. આ સિવાય બિનજરૂરી ચર્ચાઓ ન થવી જોઈએ. ખાસ વાત કે, કાયદો પોતાના હાથમાં લેવો તે પ્રયાસ યોગ્ય નથી. સદભાવના, સારા વિચારો અને એકબીજા પ્રત્યે સહયોગ રાખવાની જરૂર છે. વિવિધતામાં એકતા દર્શાવવી એ જ ભારતનો સાચો ધર્મ છે.
તેમણે એ પણ કહ્યું કે, વિકાસ અને પર્યાવરણ બંને વસ્તુઓ એકસાથે અસ્તિત્વમાં હોઈ શકે છે. આદિવાસી પણ આપણા ભાઈઓ છે. તેઓ આપણા સમાજનો એક ભાગ છે. તેથી, અમે ચોક્કસપણે તેમની સમસ્યાઓ સરકાર સમક્ષ મૂકીશું. અમારા વિવિધ સંગઠનો દ્વારા સ્વયંસેવકોએ આદિવાસી વિસ્તારોમાં ઘણું કામ કર્યું છે.
કાર્યક્રમના મુખ્ય અતિથિ અરવિંદ નેતામે કહ્યું કે, ધર્માંતરણ અને નક્સલવાદ આ બંને સમસ્યાઓ આદિવાસી સમાજમાં મુખ્યરૂપે જોવા મળે છે. સંઘ અને સમાજ મળીને નક્સલવાદ અને ધર્માંતરણની સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. કેન્દ્ર સરકારે નક્સલવાદ પર અસરકારક કામ કર્યું છે. પરંતુ હવે તેને મૂળમાંથી નાબૂદ કરવાની જરૂર છે. ઉદારીકરણ અને ઔદ્યોગિકીકરણને કારણે આદિવાસીઓનું વિસ્થાપન થતું રહે છે. આને કારણે, પાણી, જમીન અને જંગલ જોખમમાં મુકાયા છે.