Last Updated on by Sampurna Samachar
ભારતની પ્રગતિ અને તેનું વિશ્વ નેતૃત્વ તેના ધર્મ પર આધારિત
આધ્યાત્મિકતા ભારતને અન્ય દેશોથી અલગ પાડે છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે મુંબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતની વૈશ્વિક ભૂમિકા અને ધર્મના મહત્વ વિશે ગંભીર વાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતની પ્રગતિ અને તેનું વિશ્વ નેતૃત્વ તેના ધર્મ પર આધારિત છે. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ધર્મ ભારતનું માર્ગદર્શન કરતો રહેશે, ત્યાં સુધી આપણો દેશ વિશ્વમાં નેતા બનીને રહેશે.”

મોહન ભાગવતે કહ્યું હતું કે ભારતમાં જે આધ્યાત્મિક જ્ઞાન અને ચેતના છે, તે સમગ્ર વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતી નથી. અન્ય દેશોમાં ભૌતિક સુખો છે, પરંતુ આધ્યાત્મિકતાનો અભાવ છે. ભારતની આ જ શક્તિ તેને અન્ય રાષ્ટ્રોથી અલગ પાડે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા સંઘ પ્રમુખે એક રસપ્રદ ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું, “વાત નરેન્દ્રભાઈની હોય, મારી હોય કે તમારી હોય, આપણે બધા એક જ અદ્રશ્ય શક્તિ દ્વારા સંચાલિત છીએ.
રાજ્ય વ્યવસ્થા કે શાસન પદ્ધતિ ધર્મનિરપેક્ષ હોઈ શકે
જો આપણું જીવનરૂપી વાહન તે શક્તિ દ્વારા ચાલે તો ક્યારેય અકસ્માત થતો નથી. તે ચાલક બીજું કોઈ નહીં પણ ધર્મ છે.” તેમણે ઉમેર્યું કે નરેન્દ્ર મોદી તમારી અને દેશની શક્તિ છે. જ્યારે બ્રહ્માંડ સર્જાયું ત્યારે જ ધર્મનું અસ્તિત્વ આવ્યું હતું.
ધર્મનિરપેક્ષતા અને ધર્મ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે કોઈ રાજ્ય વ્યવસ્થા કે શાસન પદ્ધતિ ધર્મનિરપેક્ષ હોઈ શકે છે, પરંતુ કોઈ મનુષ્ય કે સૃષ્ટિ ધર્મ વિના ટકી શકે નહીં. જેમ પાણીનું કર્તવ્ય વહેવું છે અને અગ્નિનું કામ બાળવું છે, તેમ મનુષ્યનું પણ કર્તવ્ય છે.”ભારતના સામાન્ય નાગરિકના માનસમાં ધર્મ ઊંડે સુધી ઉતરેલો છે. ઝૂંપડીમાં રહેતો ગરીબ માણસ ભલે મોટા ભાષણો ન આપી શકે, પણ તેની નસોમાં ધર્મ અને સંસ્કાર વહે છે.”
ઈતિહાસના પાના ઉથલાવતા ભાગવતે છત્રપતિ શિવાજી મહારાજ અને અફઝલ ખાનના પ્રસંગને યાદ કર્યો હતો. તેમણે કહ્યું, “અમે ધર્મના રક્ષક એટલે કે ચોકીદાર છીએ. જ્યારે અફઝલ ખાન અત્યાચાર ગુજારી રહ્યો હતો અને શિવાજી મહારાજને મળવા આવ્યો, ત્યારે મહારાજ શાંત રહ્યા હતા. આ ધીરજ અને ધર્મનું પાલન જ વિજય અપાવે છે. ધર્મ ક્યારેય હારતો નથી.