Last Updated on by Sampurna Samachar
નવી તોપની ખરીદી ભારતમાં આધુનિકીકરણને પ્રોત્સાહન આપશે
આ તોપ મૂળ રણ વિસ્તારો માટે ખરીદાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય સેના ટૂંક સમયમાં સ્વદેશી આર્ટિલરી તોપથી સજ્જ થશે. દેશના સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રમાં આર્ત્મનિભરતાને પ્રોત્સાહન આપવા માટે સરકારે ૭૦૦૦ કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS) એ સ્થાનિક રીતે ઉત્પાદિત ૩૦૭ આર્ટિલરી ગન અને ટોઈંગ વાહનો માટે ૭,૦૦૦ કરોડ રૂપિયાના કરારને મંજૂરી આપી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર, ATAGS (એડવાન્સ્ડ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ) કરારમાં ૩૨૭ ટોઈંગ ટ્રકનો પણ સમાવેશ થાય છે, જેનાથી માર્ચના અંત સુધીમાં કરાર પર હસ્તાક્ષર કરવાનો માર્ગ મોકળો થશે. ૧૫૫ મીમી/૫૨-કેલિબર તોપની રેન્જ લગભગ ૪૮ કિમી છે. નવી તોપની ખરીદી ભારત (BHARAT) માં આધુનિકીકરણને પ્રોત્સાહન આપશે અને ભારતીય સેનાની તૈયારીમાં પણ વધારો કરશે.
બે ખાનગી કંપનીઓ સાથે જોડાણ
સેનાએ ૨૦૧૭ થી ૭૨૦ મિલિયન ડોલર કરાર હેઠળ આવી ૧૦૦ તોપનો સમાવેશ કર્યો છે અને તેમાંથી ઘણીને પર્વતોમાં સંચાલન માટે સક્ષમ બનાવવા માટે અપગ્રેડ કર્યા પછી લદાખ સેક્ટરમાં તહેનાત કરવામાં આવી છે. આ તોપ મૂળ રણ વિસ્તારો માટે ખરીદવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, DRDO એ ૨૦૧૩માં એડવાન્સ્ડ ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જેનો ઉદ્દેશ્ય સેનાની જૂની તોપને આધુનિક ૧૫૫ MM આર્ટિલરી ગન સિસ્ટમથી બદલવાનો હતો. આ તોપના ઉત્પાદન માટે DRDO એ બે ખાનગી કંપનીઓ ભારત ફોર્જ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ સાથે જોડાણ કર્યું છે. આ ઓર્ડર બે કંપનીઓ વચ્ચે વહેંચવામાં આવશે. ATAGS ટેન્ડર માટે સૌથી ઓછી બોલી લગાવનાર કંપની ભારત ફોર્જ ૬૦% તોપનું ઉત્પાદન અને સપ્લાય કરશે. બાકીની ૪૦ ટકા તોપ TASL (ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ) દ્વારા બનાવવામાં આવશે.