Last Updated on by Sampurna Samachar
નવરંગપુરા પોલીસ મથ કે ફરિયાદ દાખલ
તસ્કરો સોના-ચાંદીના દાગીના અને વિદેશી ચલણ લઈ ફરાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. અહીં એક રહેણાંક ફ્લેટના તાળા તોડી અજાણ્યા તસ્કરો આશરે રૂ.૨૩.૦૩ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના, રોકડ અને વિદેશી ચલણની ચોરી કરી નાસી છૂટ્યા હતા.

નવરંગપુરા પોલીસના જણાવ્યા અનુસાર, ચોરીની આ ઘટના વિજય પાર્ક પાસે આવેલા ‘નક્ષત્ર એપાર્ટમેન્ટ‘ના એક ફ્લેટમાં સાંજના ગાળામાં બની હતી. આ મામલે ફાર્મા કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા ૨૮ વર્ષીય શીતલ સોમાણીએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી અને તેમનો પરિવાર સાંજના સમયે ઘરને લોક કરીને બહાર ગયો હતો.
સિક્યુરિટી સ્ટાફ અને સ્થાનિક રહીશોની પૂછપરછ હાથ ધરાઇ
જ્યારે શીતલબેન સાંજે ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે જોયું કે મુખ્ય દરવાજાનું હેન્ડલ તૂટેલું હતું. ઘરની અંદર તપાસ કરતા લિવિંગ રૂમમાં બધું બરાબર હતું, પરંતુ બેડરૂમમાં રહેલી પ્લાયવુડની તિજોરીના ખાના તોડી નાખવામાં આવ્યા હતા.તસ્કરોએ તીક્ષ્ણ હથિયાર વડે તિજોરી તોડીને તેમાંથી મંગળસૂત્ર, કાનની બુટ્ટી, બંગડીઓ, સોનાની ચેઈન, ચાંદીના સાંકળા અને પૂજાની વસ્તુઓની ચોરી કરી છે.
આ સિવાય રૂ.૩૫,૦૦૦ રોકડા(ભારતીય ચલણ), ૩,૦૦૦ UAE દિરહામ, ૨,૦૦૦ US ડોલર અને ૨૦૦ યુરોની પણ તસ્કરી થઈ છે. ફરિયાદીના અંદાજ મુજબ કુલ રૂ.૨૩.૦૩ લાખની મત્તાની ચોરી થઈ છે. નવરંગપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી રહ્યા છીએ. સાથે જ સિક્યુરિટી સ્ટાફ અને સ્થાનિક રહીશોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.‘