મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટરને મળી ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
નર્મદા ભુસ્તરશાસ્ત્રી કચેરીના મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટર ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રક વિરૂદ્ધ કાર્યવાહી કરવા જઈ રહ્યા હતા એ દરમિયાન એમને ધમકી આપનાર વિરૂદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. નર્મદા ભુસ્તરશાસ્ત્રી કચેરીના મહિલા રોયલ્ટી ઇન્સ્પેકટર અની નિશીથ ચંન્દ્રકિશોર માંકડ ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરેલ ટ્રક નં. GJ.૧૯.X.૬૮૪૬ ની કાયદેસરની કાર્યવાહી કરવા માટે લઈ જતા હતા. તે દરમ્યાન ઝહીર પઠાણ ઉર્ફે ભંગારી તથા તેની સાથેના કાલુભાઈએ ફરજમાં રૂકાવટ કરી અધવચ્ચે રસ્તામાં અવરોધ કરી અપશબ્દો બોલ્યા હતા.
મહિલા અધિકારીને તેઓએ જણાવ્યુ હતુ કે, આ ગાડી કેમ લઇ જાઓ છો, નહી લઈ જવા દઈએ, તમારે છોડી દેવીજ પડશે. તમારૂ જીવવું અઘરૂ થઈ જશે અને તમને જીવનની પડી હોય તો આ ટ્રકને જવા દો એમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કાયદેસરની કાર્યવાહી કરવા માટે લઈ જઈ રહેલી ટ્રક નં. GJ.૧૯.X.૬૮૪૬ જેની આશરે કિ.રૂ. ૧૫,૦૦, ૦૦૦ તથા તેમા ભરેલ સાદી રેતીની આશરે કિ.રૂ.૭૦૦૦ ની ઝહિર પઠાણ પોતાની સાથે આવેલ ડ્રાઇવરથી ચલાવી બળજબરીથી લઈ ગયા હતા.આ બાબતે રોયલ્ટી ઈન્સ્પેકટર નિશીય ચન્દ્રકિશોર માંકડે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.