Last Updated on by Sampurna Samachar
રોહિતના ર્નિણયે વિરાટ કોહલીને મુશ્કેલીમાં મુક્યો
રોહિતે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માએ તેના કરોડો ફેન્સને ખુશ કર્યા છે. BCCI એ તેના માટે એક શરત મૂકી હતી, જેને હિટમેન એ સ્વીકારી લીધી છે. પૂર્વ ભારતીય કેપ્ટને આગામી વિજય હજારે ટ્રોફીમાં રમવાનો ર્નિણય લીધો છે. રોહિતે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી છે કે તે ૨૪ ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

રોહિત શર્માનો ર્નિણય BCCI ના આદેશ બાદ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો વરિષ્ઠ ખેલાડીઓ ભવિષ્યમાં ODI અને ભારત માટે ૨૦૨૭ના વર્લ્ડ કપ માટે દાવેદારીમાં રહેવા માંગતા હોય તો તેમણે ઘરેલુ ક્રિકેટમાં રમવું પડશે. રોહિતના ર્નિણયે વિરાટ કોહલીને પણ મુશ્કેલીમાં મુકી દીધો છે.
વિજય હજારે ટ્રોફી ૨૦૨૫ ૨૪ ડિસેમ્બરથી શરૂ થશે
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. તેથી, બંનેમાંથી કોઈને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની વધુ તક મળશે નહીં. તેમની ફિટનેસ અને ફોર્મ ચકાસવા માટે BCCI એ સૂચના આપી કે ROKO ને ઘરેલુ ક્રિકેટ રમવું જ પડશે.
હિટમેને આ શરત સ્વીકારી અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી કે તે વિજય હજારે ટ્રોફી માટે ઉપલબ્ધ છે. બીજી બાજુ વિરાટ કોહલી BCCI ના નિર્દેશનું પાલન કરશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, રોહિતના ર્નિણયથી કોહલી પર સ્થાનિક ક્રિકેટ રમવા માટે સંમત થવાનું દબાણ આવ્યું છે, નહીં તો તેની કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે.
રોહિત શર્માએ BCCI ની શરતો સ્વીકારી લીધા પછી હવે વિરાટ કોહલી પર સ્થાનિક ક્રિકેટ રમવાનું દબાણ વધી ગયું છે. જો કોહલી વિજય હજારે ટ્રોફીમાં રમવાનો ઇનકાર કરે છે, તો પ્રશ્નો ઉભા થવાના છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે કોહલી પ્રથમ બે મેચમાં રન બનાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો. જોકે, સિડનીમાં ત્રીજી ODI માં તેણે હિટમેન સાથે મેચ-વિનિંગ ભાગીદારી કરી અને અડધી સદી ફટકારી. વિજય હજારે ટ્રોફી ૨૦૨૫ ૨૪ ડિસેમ્બરથી શરૂ થશે. રોહિત શર્મા તે તારીખે સિક્કિમ સામે મુંબઈ માટે એક્શનમાં જોવા મળે તેવી અપેક્ષા છે.