Last Updated on by Sampurna Samachar
ICC દ્વારા તાજેતરની ODI રેન્કિંગ જાહેર
ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ ચોથા નંબર પર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC દ્વારા તાજેતરની ODI રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. એક સ્થાનનો ફાયદો થવાથી વિરાટ કોહલી હવે ટોપ-૫ માં સામેલ થઈ ગયો છે. જોકે આ સપ્તાહ દરમિયાન ભારતીય ટીમની કોઈ વનડે મેચ ન હોવા છતાં, બાબર આઝમના નિષ્ફળ પ્રદર્શનના કારણે કોહલી અને શ્રીલંકાના ચરિથ અસલંકાને રેન્કિંગમાં લાભ મળ્યો છે. બાબર ૨ સ્થાન નીચે સરકી ગયો છે, જ્યારે રોહિત શર્માએ પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

રોહિત શર્મા ૭૮૧ રેટિંગ પોઇન્ટ્સ સાથે આઈસીસી રેન્કિંગમાં નંબર-૧ ઓડીઆઈ બેટર છે. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ૭૩ અને ત્રીજી વનડેમાં ૧૨૧ રનની અણનમ ઇનિંગ્સ રમ્યા બાદ તે થોડા અઠવાડિયા પહેલા જ નંબર-૧ પર આવ્યો હતો અને આ અઠવાડિયે પણ તેણે આ સ્થાન જાળવી રાખ્યું છે.
હાર્દિક પંડ્યા ચોથા પરથી પાંચમા નંબર પર આવ્યો
આ યાદીમાં ટોપ-૪ બેટરમાં કોઈ ફેરફાર થયો નથી, જેમાં ભારતીય ટીમનો કેપ્ટન શુભમન ગિલ ૭૪૫ રેટિંગ પોઇન્ટ્સ સાથે ચોથા નંબર પર યથાવત છે. ઓસ્ટ્રેલિયા સામે વિરાટ કોહલી ૨ વનડેમાં ડક (શૂન્ય) પર આઉટ થયો હતો, ત્રીજી મેચમાં તેણે ૭૪ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. પરંતુ આ ઇનિંગ્સ રેન્કિંગમાં ફાયદાનું કારણ નથી, ખરેખર બાબર આઝમના ફ્લોપ શોએ તેને ટોપ-૫ માં પહોચાડી દીધો.
ગયા અઠવાડિયે બાબર આઝમે ૩ વનડે રમી. ૬ અને ૮ નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકા સામે બાબર આઝમ અનુક્રમે ૧૧ અને ૨૭ રન બનાવીને આઉટ થયો. ૧૧ નવેમ્બરના રોજ શ્રીલંકા સામેની વનડેમાં તે ૨૯ રન બનાવી શક્યો, આ કારણોસર બાબર આઝમ ટોપ-૫ માંથી બહાર થઈ ગયો. બાબર આઈસીસી ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં ૫મા સ્થાનેથી ૭મા સ્થાને આવી ગયો છે.
ICC રેન્કિંગમાં ટોપ-૧૦ ODI બેટર
રોહિત શર્મા (ભારત) – ૭૮૧
ઇબ્રાહિમ જાદરાન (અફઘાનિસ્તાન) – ૭૬૪
ડેરીયલ મિશેલ (ન્યૂઝીલેન્ડ) – ૭૪૬
શુભમન ગિલ (ભારત) – ૭૪૫
વિરાટ કોહલી (ભારત) – ૭૨૫
ચરિથ અસલંકા (શ્રીલંકા) – ૭૧૦
બાબર આઝમ (પાકિસ્તાન) – ૭૦૯
હેરી ટેક્ટર (આયર્લેન્ડ) – ૭૦૮
શ્રેયસ ઐયર (ભારત) – ૭૦૦ – શાઇ હોપ (વેસ્ટ ઇન્ડીઝ) – ૬૯૦
ICC T-20 બેટિંગ રેન્કિંગમાં અભિષેક શર્માએ પોતાનું પહેલું સ્થાન જાળવી રાખ્યું છે. આ લિસ્ટમાં તિલક વર્માને ૨ સ્થાનનું નુકસાન થયું છે, તે ત્રીજા પરથી પાંચમા નંબર પર આવી ગયો છે. T-20 ઓલરાઉન્ડર રેન્કિંગમાં હાર્દિક પંડ્યા ચોથા પરથી પાંચમા નંબર પર આવી ગયો છે.