Last Updated on by Sampurna Samachar
હાર્દિક પંડ્યાએ રોહિત શર્માની કેપ્ટનશીપના કર્યા વખાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T ૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ જીત્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમને અંતિમ ક્ષણમાં શાનદાર વાપસી કરી હતી. આ વાપસીની શરૂઆત હેનરિક કલાસેનના વિકેટથી થઇ હતી. જે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઝડપી હતી. હવે હાર્દિકે આ વિકેટ પાછળ રોહિત શર્માના માસ્ટર પ્લાન અંગે વાત કરી છે.
હકીકતમાં ક્લાસેને આ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા. મેચમાં એક સમયે દક્ષિણ આફ્રિકાને ૨૪ બોલમાં ૨૬ રનની જરૂરીયાત હતી. પરંતુ પંડ્યાએ ૧૭મી ઓવરની પહેલી બોલ પર ક્લાસેનને આઉટ કરી દીધો હતી. આ મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપ્યા બાદ ભારતે વાપસી કરી મેચ જીતી લીધી હતી.
આ દરમિયાન હાર્દિકે રોહિતના વખાણ કરતા કહ્યું હતું કે, હું અને રોહિત શર્મા ઘણાં સમયથી સાથે રમી રહ્યા છીએ. મારી પર્સનાલિટી અને ક્રિકેટમાં હું કઈ વસ્તુઓને ધ્યાન રાખું છું એ તેને ખબર છે. આ બોલ ફેંકતા પહેલા રોહિતે મને ક્લાસેનને વાઈડ બોલ ફેંકવાની સલાહ આપી હતી. મને પણ ખ્યાલ હતો કે, તે વિચારતો હશે કે હું બોલ સ્ટમ્પ પર ફેંકીશ, કારણ કે તેનો પગ લેગ સ્ટમ્પની બાજુમાં હતો. તેથી મને ખબર હતી કે તે આ રીતે જ શોટને રમશે.
મેં રન-અપ લેતા પહેલા તેની તરફ જોયું અને પોતાને કહ્યું કે, હું એક ધીમો બોલ ફેંકીશ કારણ કે અમે તે રીતે ફિલ્ડીંગ ગોઠવી ન હતી. કારણ કે હું તેને છેતરવા માંગતો હતો. બોલને હીટ કરવાની તેની રીત જોરદાર હતી. ક્લાસેનની વિકેટે અમારી જીતને સરળ બનાવી દીધી હતી. રોહિતના માસ્ટર પ્લાનથી ટીમ વર્લ્ડકપ જીતી હતી’
હકીકતમાં હાર્દિકની આ બોલને ક્લાસેન ડીપ એક્સ્ટ્રા કવરમાં મારવા માંગતો હતો. પરંતુ બોલ તેના બેટને અડીને વિકેટની પાછળ રિષભ પંતના હાથમાં પહોંચી અને તે કેચઆઉટ થઇ ગયો હતો. આ પછીની ઓવરમાં બુમરાહે માર્કો યેનસનની વિકેટ ઝડપી લીધી હતી. આ સાથે જ ભારતે ગેમમાં વાપસી કરી હતી. છેલ્લી ઓવરમાં દક્ષિણ આફ્રિકાને જીત મેળવવા માટે ૧૬ રનની જરૂર હતી. હાર્દિકે આ ઓવરમાં ડેવિડ મિલરને આઉટ કરીને ભારતને જીત અપાવી હતી.