એડિલેડ ટેસ્ટમાં રોહિતનું બેટ સંપૂર્ણપણે રહ્યું હતું શાંત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં ભારતને ૧૦ વિકેટે હરાવ્યું. આ મેચમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો હતો. ભારતીય કેપ્ટન તરીકે, રોહિત એવા લોકોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે સતત સૌથી વધુ મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મામલે તેણે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની બરાબરી કરી લીધી છે. એડિલેડ ટેસ્ટમાં રોહિતનું બેટ સંપૂર્ણપણે શાંત રહ્યું હતું.
વાસ્તવમાં, ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ મેચોમાં હારનો સામનો કરનારા ખેલાડીઓની યાદીમાં મન્સૂર અલી ખાન પટૌડી ટોચ પર છે. તેને ૧૯૬૭ થી ૧૯૬૮ વચ્ચે ૬ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ યાદીમાં સચિન તેંડુલકર બીજા સ્થાને છે. સચિનને ૧૯૯૯થી ૨૦૦૦ વચ્ચે ૫ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. દત્તા ગાયકવાડને ૧૯૫૯માં ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
ધોનીની કપ્તાનીમાં ભારતને ૨૦૧૧ અને ૨૦૧૪માં સતત ૪ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોહલીની કપ્તાનીમાં તેને ૨૦૨૦ અને ૨૦૨૧ વચ્ચે ૪ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ૨૦૨૪માં સતત ચાર મેચ હારી છે.
ભારતે ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ જીતી લીધી હતી. પરંતુ બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં ઓલઆઉટ થતાં સુધી ૧૮૦ રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ૧૭૫ રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ૩૩૭ રન બનાવ્યા હતા. બીજા દાવમાં માત્ર ૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ સહિત ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડીઓ ફ્લોપ રહ્યા હતા.
ભારતીય કેપ્ટન તરીકે સતત સૌથી વધુ હાર
મન્સૂર અલી ખાન પટૌડી (૧૯૬૭–૬૮) – ૬
સચિન તેંડુલકર (૧૯૯૯-૦૦) – ૫
દત્તા ગાયકવાડ (૧૯૫૯) – ૪
મહેન્દ્ર સિંહ ધોની (૨૦૧૧ અને ૨૦૧૪) – ૪
વિરાટ કોહલી (૨૦૨૦-૨૧) – ૪
રોહિત શર્મા (૨૦૨૪) – ૪
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમને રોહિત શર્માની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી ૩-૦થી ગુમાવવી પડી હતી. ભારતીય ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.