Last Updated on by Sampurna Samachar
સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પોલીસ સ્ટેશનની બહાર હાજર રહ્યા
દુર્ઘટનાની વહેલી તકે તપાસ પૂરી કરવા માંગણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના દિવંગત ડેપ્યુટી સીએમ અજિત પવારના પ્લેન ક્રેશની તપાસને લઈને ધારાસભ્ય અને અજિત પવારના ભત્રીજા રોહિત પવારે કડક વલણ અપનાવ્યું છે. મુંબઈ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાનો ઈનકાર કર્યા બાદ રોહિત પવાર બારામતી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આ કેસની ગંભીરતાથી તપાસ કરાવવાની માંગ સાથે ધરણાં પર બેઠા .

તેમણે કહ્યું કે, આ દુર્ઘટનાની વહેલી તકે તપાસ પૂરી કરવામાં આવે અને જો કોઈની બેદરકારી અથવા દોષ સામે આવે તો તેમના વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધીને તેમને કસ્ટડીમાં લેવા જોઈએ. રોહિત પવારની સાથે સેંકડો સમર્થકો અને મોટી સંખ્યામાં વકીલો પણ પોલીસ સ્ટેશનની બહાર હાજર રહ્યા. સમર્થકોની મોટી હાજરીને કારણે પોલીસ સ્ટેશન વિસ્તાર સંપૂર્ણપણે રાજકીય ગતિવિધિનું કેન્દ્ર બની ગયો હતો.
પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી
રોહિત પવારે સ્પષ્ટ કર્યું કે, આ મામલો માત્ર દુર્ઘટનાની તપાસનો નથી, પરંતુ સત્યને સામે લાવવાનો છે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે, જ્યાં સુધી તપાસ પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ ન થાય અને જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી હું મારો અવાજ ઉઠાવતો રહીશ.
આ મામલાને લઈને બારામતીમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે અને સ્થાનિક સ્તર પર જનતા પણ આ તપાસને લઈને ખૂબ ચિંતિત છે. આ મામલે પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નથી આવી, પરંતુ એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ટૂંક સમયમાં નિષ્પક્ષરૂપે તપાસ થશે અને દોષિતોને સજા મળશે.
આ દુર્ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા અને તેની પાછળનું સત્ય બહાર લાવવા માટે હવે સતત દબાણ વધી રહ્યું છે, જેથી રાજ્યના રાજકીય અને વહીવટી સ્તરે જવાબદારી સુનિશ્ચિત કરી શકાય.
૨૮ જાન્યુઆરીના રોજ સવારે લગભગ ૮:૪૫ વાગ્યે બારામતી એરપોર્ટ પર એક ચાર્ટર્ડ વિમાન ક્રેશ થઈ ગયુ હતું, જેમાં મહારાષ્ટ્રના પૂર્વ ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત ૫ લોકોના મોત થઈ ગયા હતા. આ વિમાન મુંબઈથી બારામતી જઈ રહ્યું હતું. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી મૂક્યું છે.