Last Updated on by Sampurna Samachar
છેલ્લા ૪ વર્ષથી પોલીસને ચકમો આપી રહેલ યુવતીની આખરે ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ‘લુંટેરી દુલ્હન‘ તરીકે ઓળખાતી અને છેલ્લા ૪ વર્ષથી પોલીસને ચકમો આપતી આરોપીને ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી માનવી અને તેની ટોળકી ખાસ કરીને એવા ઉંમરલાયક યુવકોને શોધતી હતી જેમના લગ્ન થવામાં મુશ્કેલી પડતી હોય. પરિવારનો વિશ્વાસ જીતી લગ્ન કર્યાના ગણતરીના દિવસોમાં જ આ યુવતી લાખોની રોકડ અને દાગીના ચોરીને પલાયન થઈ જતી હતી.

મળતી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૨માં માધુપુરાના એક યુવક સાથે લગ્ન કર્યા બાદ માનવી માત્ર ચાર જ દિવસમાં દોઢ લાખની રોકડ અને કિંમતી ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. આ ગુનામાં સંડોવાયેલા તેના માતા-પિતા અને એક સાથીદારની પોલીસે અગાઉ ધરપકડ કરી લીધી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર માનવી સતત અલગ-અલગ શહેરોમાં આશરો લઈને પોલીસથી બચતી રહી હતી. અંતે ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આઈપી મિશન ચર્ચ પાસે વોચ ગોઠવી તેને દબોચી લીધી હતી.
અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવ્યા
હાલમાં આરોપીને વધુ તપાસ માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે, જ્યાં તેના ફોન રેકોર્ડ્સ અને બેન્ક ખાતાઓની વિગતો તપાસવામાં આવી રહી છે. પોલીસને આશંકા છે કે આ ટોળકીએ અમદાવાદ સિવાય અન્ય શહેરોમાં પણ અનેક પરિવારોને પોતાની જાળમાં ફસાવ્યા હશે. આ તપાસ દરમિયાન લગ્નના નામે છેતરપિંડી આચરતા આ મોટા રેકેટમાં સામેલ અન્ય શખસો અને ભોગ બનેલા નવા પીડિતોના નામો સામે આવવાની શક્યતા છે.