Last Updated on by Sampurna Samachar
માર્ગ અકસ્માત રોકવા માટે નીતિન ગડકરીનો માસ્ટર પ્લાન
આ ટેકનોલોજી હાલ અમુક દેશોમાં ઉપલબ્ધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને રોકવા માટે કેન્દ્ર સરકારે કરમ કસી છે. હવે એક અત્યાધુનિક ટેકનોલોજી લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી કે સરકાર વાહન-થી-વાહન સંચાર માટે વાયરલેસ ટેકનોલોજી લાવવા પર કામ કરી રહી છે, જે અકસ્માતોને રોકવામાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

આ ફ૨ફ સંચાર ટેકનોલોજીની મદદથી, રસ્તા પર ચાલતા વાહનો એકબીજા સાથે સીધો સંવાદ કરી શકશે. આનાથી ડ્રાઇવરને આસપાસના અન્ય વાહનોની ગતિ, સ્થિતિ, બ્રેક લગાવવાની માહિતી અને ખાસ કરીને અચાનક નજર ન આવતી જગ્યા(બ્લાઇન્ડ સ્પોટ) પર રહેલા વાહનો વિશે રીઅલ-ટાઇમ એલર્ટ મળશે. આ એલર્ટ મળતા જ ડ્રાઇવર સમયસર જરૂરી પગલાં લઈ શકશે, જેનાથી અકસ્માતોની આશંકા નોંધપાત્ર રીતે ઘટશે.
માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ યોજના શરૂ થશે
આ ટેકનોલોજી સિમ કાર્ડ જેવી ચિપ દ્વારા કામ કરશે, જેને વાહનોમાં લગાવવામાં આવશે. જ્યારે કોઈ વાહનની ખૂબ નજીક અન્ય કોઈ વાહન આવશે, ત્યારે તરત જ એલર્ટ મળશે. આ ટેકનોલોજી ગાઢ ધુમ્મસ દરમિયાન એકબીજા સાથે અથડાતા વાહનો અને ઉભેલા વાહનો સાથે પાછળથી થતી ટક્કરને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થશે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે આ ઉદ્દેશ્ય માટે દૂરસંચાર વિભાગ સાથે એક સંયુક્ત કાર્યદળની રચના કરવામાં આવી છે. દૂરસંચાર વિભાગે ફ૨ફ સંચાર માટે ૩૦ મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ(૫.૮૭૫-૫.૯૦૫ ગીગાહર્ટ્ઝ)ના ઉપયોગને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે.
મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું કે આ ટેકનોલોજી હાલમાં અમુક જ દેશોમાં ઉપયોગમાં લેવાઈ રહી છે અને તેના પર લગભગ રૂ.૫,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. શરૂઆતમાં, આ ટેકનોલોજીથી સજ્જ ઉપકરણો નવા વાહનોમાં લગાવવામાં આવશે અને ત્યારબાદ તબક્કાવાર રીતે તમામ વાહનોમાં તેને સામેલ કરવામાં આવશે.
ગડકરીએ જાહેરાત કરી કે પીએમ મોદી ટૂંક સમયમાં જ સમગ્ર ભારતમાં માર્ગ અકસ્માતના પીડિતો માટે કેશલેસ સારવાર યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ, પીડિતોને અકસ્માતની તારીખથી મહત્તમ સાત દિવસના સમયગાળા માટે, પ્રતિ પીડિત પ્રતિ અકસ્માત રૂ.૧.૫ લાખ સુધીની કેશલેસ સારવાર મેળવવાનો અધિકાર હશે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમયસર તબીબી સારવારના અભાવે થતા મૃત્યુની સંખ્યા ઘટાડવાનો છે.