Last Updated on by Sampurna Samachar
વડાપ્રધાન મોદીએ બિહારમાં લાલુ પ્રસાદ પર કર્યો પ્રહાર
RJD દલિતો અને પછાત વર્ગના નામે રાજકારણ રમે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રવાસે પહોચ્યા હતા. જ્યાં પ્રજાને સંબોધન કરી રાષ્ટ્રીય જનતા દળ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું કે, RJD એ બાબા સાહેબ સાથે કેવો વ્યવહાર કર્યો, તે તમામે જોયો છે. RJD ના લોકો બાબા સાહેબની તસવીર પગમાં રાખે છે. બિહારના લોકો આ અપમાનને ક્યારેય ભૂલી નહીં શકે.
વડાપ્રધાન મોદીએ આંબેડકરનું અપમાન કરવાના વિવાદ મુદ્દે લાલુ યાદવ પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘તમામ લોકોએ જોયું કે, RJD એ બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર સાથે કેવો વ્યવહાર કર્યો. તેમની તસવીરોને પગમાં રાખવામાં આવી, જે હડહડતું અપમાન છે.
કાર્યક્રમમાં RJD પાર્ટીના એક કાર્યકર્તાની હરકત
RJD દલિતો અને પછાત વર્ગના નામે રાજકારણ રમે છે, જ્યારે સન્માનની વાત આવે છે, ત્યારે બાબાસાહેબને પણ છોડતાં નથી. RJD ના લોકો બાબા સાહેબની તસવીર પગમાં રાખે છે, તો મોદી તેમની તસવીરને દિલમાં રાખે છે.’વાસ્તવમાં ૧૧ જૂન-૨૦૨૫ના રોજ લાલુ પ્રસાદ યાદવના જન્મ દિવસે કાર્યક્રમ રખાયો હતો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયોમાં RJD પાર્ટીનો એક કાર્યકર્તા ડૉ. ભીમરાવ આંબેડકરની તસવીર લાલુ યાદવના પગ પાસે રાખતાં જોવા મળી રહ્યો હતો. ત્યારબાદ રાજકીય વિવાદ ઊભો થયો હતો અને ભાજપ સહિત પક્ષોએ RJD પર આંબેડકરનું અપમાન કરવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં અનુસૂચિત જાતિ આયોગે લાલુ યાદવને નોટિસ પણ મોકલી હતી, જેમાં ૧૫ દિવસની અંદર સ્પષ્ટ જવાબ મંગાયો હતો. જો જવાબ ન આપે તો ફરિયાદ નોંધાવવાની ચેતવણી અપાઈ હતી.