Last Updated on by Sampurna Samachar
RJD માટે રાધોપુર બેઠક મહત્વની
પરંપરાગત બેઠક રાઘોપુરથી ચૂંટણી લડવાનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં વિધાનસભા ચૂંટણીની ધમધોકાટ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. NDA માં બેઠક વહેંચણીનો કાર્યક્રમ પુરો થઈ ગયો છે, ત્યારે મહાગઠબંધનમાં હજુ પણ બેઠક વહેંચણીનો મુદ્દે ઉકેલાયો નથી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે ચૂંટણી લડવાની અને કંઈ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે, તેની જાહેરાત કરી દીધી છે.
અહેવાલો મુજબ, તેજસ્વી યાદવે ફરી એકવાર પોતાની પરંપરાગત બેઠક રાઘોપુરથી ચૂંટણી લડવાનો ર્નિણય લીધો છે અને તેઓ ૧૫ ઓક્ટોબરે આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. બેઠક વહેંચણીની વાત કરીએ તો મહાગઠબંધનમાં હજુ પણ બેઠકોને લઈને આંતરિક ઘર્ષણ ચાલી રહ્યું છે. તેની મૂળ કારણ એ છે કે, આરજેડીને રાજ્યની ૨૪૩ બેઠકોમાંથી ૧૪૦ બેઠકો પર ચૂંટણી લડવી છે, જેના કારણે સાથી પક્ષો આરજેડીની માંગથી નારાજ થયા છે.
૬ નવેમ્બરે અને ૧૧ નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન
બીજીતરફ તેજસ્વીએ દાવો કર્યો છે કે બધું બરાબર છે અને આગામી એક-બે દિવસમાં સીટ વહેંચણીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે. તેજસ્વી ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા શક્તિ પ્રદર્શન કરવાના હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને મોટી સંખ્યામાં રાઘોપુર પહોંચવા માટે અપીલ કરવામાં આવી છે. આરજેડી માટે રાધોપુર બેઠક એટલા માટે મહત્ત્વની છે, કારણ કે, આ બેઠક યાદવ પરિવારનો પરંપરાગત ગઢ ગણાય છે.
NDA એ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે સીટ-શેરિંગ ફોર્મ્યુલાની સત્તાવાર જાહેરાત કરી હતી. આ વ્યવસ્થા હેઠળ ભાજપ અને JD(U) ૧૦૧-૧૦૧ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ૨૯ બેઠકો પર ચૂંટણી લડશે. રાષ્ટ્રીય લોક મોરચા અને હિન્દુસ્તાની આવામ મોરચા ૬-૬ બેઠકો પર ચૂંટણી લડશે. ૨૪૩ વિધાનસભા બેઠકો માટે ૬ નવેમ્બરે અને ૧૧ નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાશે અને મતગણતરી ૧૪ નવેમ્બરના રોજ થશે.