Last Updated on by Sampurna Samachar
એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ઉપયોગને લઈ PM એ ચિંતા વ્યક્ત કરી
બિમાર લોકોએ પોતાની જાતે દવા લેવાની આદતનો ચોંકાવનારો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના અનેક લોકો સામાન્ય બીમાર પડ્યા બાદ ડોક્ટર પાસે સારવાર કરાવવાને બદલે પોતાના નજીકના દવાના સ્ટોર પર જતા હોય છે અને તેઓ દુકાનદારને બીમારીની માહિતી આપી દવા લેતા હોય છે, જોકે આ આદત ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

દવા લેવાની આ પદ્ધતિને ધ્યાને લઈને વિજ્ઞાનીઓએ પણ ચેતવણી આપી છે કે, ભારત ધીમે ધીમે નવી મહામારી તરફ આગળ વધી રહ્યો છે. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મન કી બાત કાર્યક્રમમાં એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સના ઉપયોગને લઈ ચિંતા વ્યક્ત કરી છે.
બીમાર પડ્યા બાદ ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી
જ્યારે બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવીઓ સમય જતાં બદલાય છે અને તેમની સામે વપરાતી દવાઓ તેમના પર અસર કરવાનું બંધ કરી દે છે, ત્યારે તે સ્થિતિને એન્ટી-માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ ખૂબ જ ગંભીર બાબત છે. જે બીમાર લોકો તાત્કાલિક બીમારી દૂર કરવા માટે ડોક્ટર પાસે જવાના બદલે દુકાનમાંથી એન્ટિબાયોટિક્સ જેવી દવાઓ ખરીદીને તુરંત સાજા થવા માંગે છે, તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે આવી રીતે જ એન્ટિબાયોટિક્સ લેવાના કારણે આજે ભારત એન્ટિબાયોટિક્સ રેઝિસ્ટન્સના સૌથી ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.
વાસ્તવમાં દિલ્હીના ૧૧ જિલ્લામાં એક સર્વે હાથ ધરાયો હતો, જેમાં બીમાર લોકો દ્વારા પોતાની જાતે દવા લેવાની આદતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઘણીવાર એવું બને છે કે, જ્યારે વ્યક્તિગત ઉપચારથી કામ થતું નથી, ત્યારે આપણે સૌથી પહેલા આપણા નજીકના ફાર્મસીનો સંપર્ક કરીએ છીએ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ, ત્યારે સૌપ્રથમ ડોક્ટર પાસે જવાના બદલે દવાની દુકાને પહોંચી જઈએ છીએ.
આમાં પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી અને માત્ર બીમારી કહેવામાં આવે, તો દવા મળી જાય છે. આ દરમિયાન બીમાર વ્યક્તિના મનમાં માત્ર એવું હોય છે કે, તેણે જલ્દી સાજા થવું હોય છે અને તે વિચારતો પણ નથી કે, તેને થયેલી બીમારી વાઇરલ છે કે બેક્ટેરિયલ… તેઓ એ પણ જાણતા નથી કે, દુકાનદારે આપેલી એન્ટિબાયોટિક્સ વાઇરસ દૂર કરશે કે નહીં. જોકે આવી ભૂલ માત્ર બીમાર વ્યક્તિને જ નહીં અન્ય લોકો માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે.
આવી રીતે એન્ટિબાયોટિક્સ લીધા બાદ આપણે બે દિવસમાં સાજા થઈ જઈએ છીએ. આ દરમિયાન આપણે ડોક્ટરના બદલે દુકાનદાર પાસે જઈને દવા લેવાની બાબતને યોગ્ય માની લઈએ છીએ. એટલું જ નહીં પછી દવા પણ છોડી દઈએ છીએ, કોર્સ પણ પૂરો કરતા નથી. જોકે આપણે એ જાણતા જ નથી કે, અધૂરા કોર્સના કારણે બેક્ટેરિયા મરતા નથી, પરંતુ તે એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને વધુ મજબૂત બનાવે છે, એટલે કે બેક્ટેરિયાની લડવાની શક્તિ વધારે છે. આવી એન્ટિબાયોટિક્સ બેક્ટેરિયાને દવાથી બચવાની રીત શિખવાડે છે.
એન્ટિબાયોટિક્સ લઈને બીમારી દૂર કરનાર વ્યક્તિમાં જ્યારે ફરી બીમારી આવે ત્યારે નવા કીટાણુને તે એન્ટિબાયોટિક્સ મારવામાં સક્ષમ રહેતી નથી. તેથી જ તેને શક્તિશાળી કીટાણુ (સુપર બગ) કહેવામાં આવે છે. આમ આ રીતે દવા લેવાની આદત માત્ર પોતાના માટે જ નહીં, અન્ય લોકો માટે પણ ખતરો ઊભો કરે છે.
બીમાર પડ્યા બાદ ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે ડૉક્ટર વ્યક્તિનું ચેક અપ કરીને તેને કેટલા ડોઝની કઈ દવાની જરૂર છે, તે પ્રિસ્ક્રિપ્શનમાં લખીને આપે છે. આ દરમિયાન ડોક્ટર દર્દીને કોર્સ પણ પૂરો કરવાની સલાહ આપતા હોય છે. જોકે આપણે તાત્કાલિક બીમારી દૂર કરવા માટે સ્ટ્રોંગ દવા લેવાની ઈચ્છા રાખીએ છીએ, તેથી આપણે દુકાનદાર પાસે પહોંચી જઈ છે.
જ્યારે ડૉક્ટર કોર્સ મુજબ દવા આપતા હોય છે, ત્યારે તે બીમારીને ધીમે ધીમે દૂર કરવાની હોય છે, જાે તાત્કાલિક હેવી ડોઝ આપીને બેક્ટેરિયા દૂર કરવામાં આવે તો બેક્ટેરિયા તે હેવી ડોઝ સામે લડવાની ક્ષમતા બનાવી લે છે, જેના કારણે પછીના સમયમાં હેવી ડોઝ પણ કામ આવતો નથી, જેના કારણે ચેપ ફેલાવવાનું જોખમ વધવાની સાથે દવા બેઅસરનું જોખમ પણ વધે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, સાધારણ બીમારી કે દુખાવો દૂર કરવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરાય, કારણ કે તે છેલ્લું હથિયાર છે. પરંતુ જો આપણે આ છેલ્લા હથિયારને પહેલેથી જ ઉપયોગ કરીશું તો બેક્ટેરિયા છેલ્લા હથિયાર સાથે લડવામાં સક્ષમ થઈ જશે.
આ પાસાઓને જોતા વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે, જો એન્ટિબાયોટિક્સ દવાઓનો આવી રીતે ઉપયોગ થતો રહેશે તો ભવિષ્યમાં ઓપરેશન, ડિલિવરી, સામાન્ય ઈન્ફેક્શન સહિતની બીમારી દૂર કરવામાં મોટું જોખમ ઊભું થશે.
જ્યારે આપણે વારંવાર એન્ટિબાયોટિક્સ લઈએ છીએ, તો બેક્ટેરિયા, વાઇરસ, ફૂગ કે પરોપજીવી કીટાણુઓ પોતાને એન્ટિબાયોટિક્સ સામે લડવા માટે વધુ સક્ષમ બનાવે છે. જેના કારણે પછી એન્ટિબાયોટિક્સ દવાઓથી પણ બીમારી દૂર થતી નથી.
સાયન્સની ભાષામાં આવા અજેય કીટાણુઓને જ સુપર બગ કહેવામાં આવે છે. ભારતમાં એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગના કારણે આવા કેટલાક કીટાણુઓ હવે લડવામાં સક્ષમ બની ગયા છે, જેના કારણે શરીર પર દવાની અસર થવાની સંભાવનાઓ ઘટી ગઈ છે.
‘સુપર બગ જીન’ તરીકે ઓળખાતું એનડીએમ-૧ શરીરમાં બેક્ટેરિયા સામે લડવામાં સક્ષમ થઈ ગયું હોવાનું કહેવાય છે, જેના કારણે કોઈપણ દવાની કોઈ અસર થતી નથી. આના કારણે યુરિન ઇન્ફેક્શન અથવા ન્યુમોનિયા જેવા રોગ સામાન્ય દવાથી દૂર થતા નથી અને દર્દીને આઈસીયુમાં ભરતી કરવા પડે છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદના તાજેતરના રિપોર્ટમાં ચોંકાવનારો ઉલ્લેખ કરાયો છે કે, ‘ભારતમાં અનેક બેક્ટેરિયામાં દવાઓ સામે લડવાનો દર ૭૦ ટકાથી ૮૦ ટકા સુધી પહોંચી ગયો છે. આનો અર્થ એ થયો કે, ૧૦ લોકોમાંથી આઠ લોકો પર સામાન્ય દવાની અસર થતી નથી, એટલે કે હવે લાસ્ટ લાઈન કહેવાતી એન્ટિબાયોટિક્સ પણ ફેલ થઈ રહી છે.
એવી પણ ચિંતાજનક વાત સામે આવી છે કે, ૨૧મી સદીમાં એન્ટી માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ એટલે કે, બેક્ટેરિયા, વાઇરસ અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવાણુઓ બદલાઈને એન્ટિબાયોટિક્સ સામે લડવામાં સક્ષમ થઈ જશે, જેના કારણે વિશ્વમાં સૌથી ગંભીર આરોગ્યનો ખતરો ઉભો થશે. આના કારણે જીવ પણ જાેખમમાં મુકાઈ શકે છે. આ એક સાયલન્સ મહામારી છે અને તેના પર તાત્કાલિક ધ્યાન આપવામાં નહીં આવે તો, ૨૦૫૦ સુધીમાં તે જીવલેણ સાબિત થઈ શકે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે, બીમારી સામે લડવા માટેનું છેલ્લું હથિયાર એન્ટિબાયોટિક્સ જ દર્દીને કામ નહીં આવે તો શું થશે? ત્યારે આપણે વિચારી શું કે, આપણે એન્ટિબાયોટિક્સ લઈને ભૂલ કરી. આજના સમયમાં આપણે ઝડપી સાજા થવા માટે એન્ટિબાયોટિક્સનો ઉપયોગ કરી રહ્યા છીએ, જાેકે ભવિષ્યમાં આ જ એન્ટિબાયોટિક્સ આપણને નબળી પાડી શકે છે.
આ એક એવી સમસ્યા છે, જેની કોઈ સારવાર નહીં હોય. ઘણી વખત આપણે સરકાર, ડોક્ટર કે સિસ્ટમ પર જવાબદારી થોપીએ છીએ, પરંતુ આ લડાઈ આપણા ઘરથી જ શરૂ થાય છે. વિજ્ઞાન એમ જ કહે છે કે, જ્યારે પણ બીમાર પડો ત્યારે પોતે ડોક્ટર ન બનવું જોઈએ અને ડોક્ટર પાસે તપાસ કરાવ્યા વગર પણ કોઈપણ એન્ટિબાયોટિક્સ ન લેવી જાેઈએ. કોઈપણ બીમારી સામે લડવાનું છેલ્લું હથિયાર એન્ટિબાયોટિક્સ છે, જો તે છેલ્લા હથિયાર સામે જ રોગ લડવામાં સક્ષમ થઈ જશે, તો આગામી ભવિષ્યમાં શું થશે, તે આપણે જ વિચારવું છે.