Last Updated on by Sampurna Samachar
AIIMS ના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની ચેતવણી
COVID-19 કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીની હવા ધીરે ધીરે ઝેરી બની રહી છે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. આ મોતની ચાદરના કારણે દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ડૉક્ટર્સનું કહેવું છે કે રાજધાનીની હવા એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે અહીં રહેવું પણ મુશ્કેલ બની રહ્યું છે.

AIIMS ના પૂર્વ ડિરેક્ટર અને દેશના પ્રમુખ પલ્મોનોલોજિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ એક મોટી ચેતવણી આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે રાજધાનીમાં હાલમાં હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. હાલમાં દિલ્હીની હવાની ગુણવત્તા અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગઈ છે. જે લોકોના ફેફસાં નબળા હોય તેવા લોકોએ તાત્કાલિક દિલ્હી છોડી દેવું જોઈએ. જો કોઈ વ્યક્તિ દિલ્હી છોડી ન શકે તો તેમણે પોતાની સુરક્ષા માટે સંપૂર્ણ સાવચેતી રાખવી જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. ઘરોમાં એર ફિલ્ટરનો ઉપયોગ કરી શકાય છે.
લોકોમાં થાક, સુસ્તી અને મૂડ સ્વિંગની સમસ્યાઓ વધી
ડૉ. ગુલેરિયાના મતે રાજધાનીમાં વધતું પ્રદૂષણ ખામોશ મૃત્યુ આપી રહ્યું છે અને તે COVID-19 કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. હાલમાં પ્રદૂષણ માત્ર લોકોના ફેફસાંને જ અસર નથી કરી રહ્યું, પરંતુ તે લોહી સુધી પહોંચી ગયું છે અને શરીરને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે. PM ૨.૫ જેવા સૂક્ષ્મ કણો માનવ રક્તમાં બળતરા વધારી રહ્યા છે, બ્લડ પ્રેશરમાં વધારો થઈ રહ્યો છે અને કોલેસ્ટ્રોલનું સ્તર પણ વધારી રહ્યા છે.

તેમનું કહેવું છે કે દુ:ખદ વાત એ છે કે જાે કોઈ વ્યક્તિ પ્રદૂષણને કારણે મૃત્યુ પામે તો પણ ડેથ સર્ટિફિકેટમાં એર પોલ્યૂશનને કારણ તરીકે સૂચિબદ્ધ કરવામાં નથી આવતું. પરંતુ સત્ય એ જ છે કે વર્તમાનમાં જેટલી પણ ગંભીર બીમારીઓ છે તેમાં પ્રદૂષણ એક નિર્ણાયક પરિબળ બની ગયું છે. પ્રદૂષણની અસરો માત્ર શરીર સુધી મર્યાદિત નથી, પરંતુ તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. લોકોમાં થાક, સુસ્તી અને મૂડ સ્વિંગની સમસ્યાઓ ઝડપથી વધી રહી છે.