રિક્ષાની નંબરપ્લેટો પર ફુલહાર કે કપડું બાંધી દઈ નંબર છૂપાવી ગુનો આચરતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકોને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડી ચાલાકીથી નામાં ચોરી લેતી અમદાવાદ અને સુરતની ટોળકીના ચાર પૈકી ત્રણ જણાને મહેસાણા બી ડિવિઝન પોલીસે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. મહેસાણાના ઉચરપી રોડ પર રહેતા અમરતભાઈ પ્રજાપતિને સવારે રાધનપુર ચોકડીથી ઉનાવા જવા રિક્ષામાં બેસાડી ઝભ્ભાના ખિસ્સામાંથી રૂ.૧૩ હજાર સેરવી લઈ રામોસણા ચોકડી નજીક ઉતારી રિક્ષાચાલક સહિત ત્રણ જણા ફરાર થઈ ગયા હતા. આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
PI એન.એસ.ઘેટીયાના માર્ગદર્શન હેઠળ હે.કો. મહેન્દ્રકુમાર સહિત સર્વેલન્સ ક્વોર્ડના માણસોએ ઘટનાસ્થળની આસપાસના CCTV ફૂટેજ, બાતમી તેમજ કમાન્ડ કન્ટ્રોલની મદદ મેળવી તપાસ કરતાં એક CNG રિક્ષા શંકાસ્પદ જણાઈ હતી. જે રિક્ષા ઊંઝા તરફ ગઈ હતી અને અમદાવાદની હોઈ પરત જાય તેની વોચ રાખી રામોસણા ચોકડી નજીકથી રિક્ષા સાથે શોએબ ઉર્ફે બાબા મુસ્તાકઅલી સૈયદ, નઈમુદ્દીન મયુદ્દીન શેખ અને કાસીમ ઉર્ફે ચીચા ઉર્ફે કતેલા વજીરભાઈ શેખને ઝડપી લેવાયા હતા.
જેમની પાસેથી ચોરાયેલી રોકડ રકમ રૂ.૧૧ હજાર, બે મોબાઈલ તથા રિક્ષા જપ્ત કરી ત્રણેયની અટક કરી હતી. સુરતના વિવિધ વિસ્તારોમાં ચોરી સહિતના ૧૦ ગુનામાં સંડોવાયેલા શેરૂ બદરૂદ્દીન શેખને વોન્ટેડ જાહેર કરાયો હતો. ઉલ્લેખનિય છે કે, આરોપીઓ રિક્ષાની નંબરપ્લેટો પર ફુલહાર કે કપડું બાંધી દઈ નંબર છૂપાવી ગુનો આચરતા હતા.