Last Updated on by Sampurna Samachar
નિવૃત્ત થયા બાદ આરોપીઓ મૃતક જયંતીભાઈને માનસિક ત્રાસ આપતા
મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે સુસાઇડ નોટના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ચાંદલોડિયા વિસ્તારમાં પત્ની, સાળી અને પુત્રના ત્રાસથી નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મહત્યા કરી છે. જે અંગે મૃતકના ભાઈએ પોલીસને જાણ કરતા પોલીસે સુસાઇડ નોટના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈનો આક્ષેપ છે કે નિવૃત્ત થયા બાદ આરોપીઓ મૃતક જયંતીભાઈને માનસિક ત્રાસ આપતા હતા. જમવાનું પણ આપતા નહોતા. તેમનો નાનો પુત્ર પણ તેને માર મારતો હતો.

જ્યારે સાળી મૃતકના ઘરમાં ચઢામણી કરીને તેમના કેરેક્ટર બાબતે ખોટા આક્ષેપો કરીને અવારનવાર ઝઘડા-તકરાર કરાવીને ઘરમાંથી કાઢી મૂકતા હતા. આમ કંટાળીને મૃતક જયંતીભાઈ ૨૫મી માર્ચના દિવસે ઘરેથી નીકળીને સસાઇડ નોટ લખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.મૃતક જયંતીભાઈ વર્ષ ૨૦૨૦માં હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમના પરિવારજનો તેમને સારી રીતે રાખતા હતા.
સાળીએ કેરેક્ટર સંબંધિત ખોટા આક્ષેપો કર્યા
પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૨ બાદ તેમના પત્ની, નાનો દીકરો અને સાળીએ તેમને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. ‘આ તો નિવૃત્ત થઈ ગયો છે, હવે કોઈ કામનો નથી તેને ઘરમાંથી કાઢી મૂકો‘ તેમ કહીને તેઓને પરેશાન કરતા હતા. તેમનો નાનો દીકરો પણ અવારનવાર દારૂ પીને તેમની સાથે મારઝૂડ કરતો હતો. મૃતકે જેની જાણ પોલીસને અને તેમના પરિવારજનોને પણ કરી હતી.
એટલું જ નહીં પેન્શનની રકમ પણ આપી દેવા માટે દબાણ કરતા હતા. અવારનવાર અપમાનિત કરીને તેઓને ઘરમાંથી કાઢી મૂકતા મૃતક તેમના ભાઈના ત્યાં પણ રહેવા માટે જતા રહેતા હતા. ૧૮મી માર્ચના દિવસે રાત્રિના સાડા અગિયાર વાગ્યાની આસપાસ મૃતકનો નાનો દીકરો મનોજ દારૂ પીને આવ્યો હતો. ‘માસીના વીસ લાખ રૂપિયા ખાઈ ગયો છે‘ તેવા આક્ષેપો કરીને માર મારવા લાગ્યો હતો. જ્યારે તેમના સાળીએ કેરેક્ટર સંબંધિત ખોટા આક્ષેપો કર્યા હતા.
૨૪મી માર્ચના રાત્રિના અગિયાર વાગ્યાની આસપાસ જયંતીભાઈ તેમના ભાઈના ઘરની લોબીમાં સૂતા હતા. જો કે બીજે દિવસે સવારે ઊઠીને જોતા તેઓ જોવા મળ્યા નહોતા અને ફોન પણ ઉપાડતા નહોતા. જ્યારે તપાસ કરતા તેમના ખાટલા પાસેથી એક ચિઠ્ઠી મળી આવી હતી.
જેના આધારે તેમણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. સમગ્ર બાબતની જાણ પોલીસને કરતા પોલીસે પણ જયંતીભાઈની શોધખોળ શરૂ કરી હતી અને તપાસ કરતા ચાંદલોડિયા ચીકુવાડી પાસે જયંતિભાઈ બોલેરો વાનમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. હાલમાં પોલીસે સુસાઇડ નોટના આધારે મૃતકની પત્ની, સાળી અને નાના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.