Last Updated on by Sampurna Samachar
આ ઘટાડો ગ્રાહકોને ખરીદી તરફ પ્રેરશે
કઠોળ, શાકભાજી, અનાજ, ખાંડ અને પરિવહનના ખર્ચમાં ઘટાડાને કારણે થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં વૈશ્વિક પડકારો વચ્ચે એક રાહતના સમાચાર મળ્યા છે. સ્થાનિક સ્તરે રિટેલ મોંઘવારી આઠ વર્ષના તળિયે નોંધાઈ છે. જે તહેવારોની સીઝનમાં લોકોને વધુ ખરીદી કરવા પ્રેરશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર સત્તાવાર આંકડાઓ અનુસાર, જુલાઈમાં રિટેલ મોંઘવારીનો દર ઘટી ૧.૫૫ ટકા થયો છે. જે જૂન, ૨૦૨૫ના ૨.૧૦ ટકા સામે ૫૫ બેઝિસ પોઈન્ટ ઘટ્યો છે. જે જૂન, ૨૦૧૭ બાદ સૌથી નીચો રિટેલ ફુગાવો છે.

જુલાઈ ૨૦૨૫માં ખાદ્ય ફુગાવો ઘટીને -૧.૭૬% થયો હતો, જે જૂનમાં -૧.૦૧% હતો. ખાદ્યચીજોના ભાવ સતત બીજા મહિને ઘટ્યા છે. આ ઘટાડો કઠોળ, શાકભાજી, અનાજ, ખાંડ અને પરિવહનના ખર્ચમાં ઘટાડાને કારણે થયો હતો. જુલાઈમાં નોંધાયેલ આ દર જાન્યુઆરી ૨૦૧૯ પછીનો સૌથી ઓછો ખાદ્ય ફુગાવો છે.
ઇંધણ અને વીજ શ્રેણીનો ફુગાવો ૨.૬૭ ટકા નોંધાયો
ગ્રામીણ વિસ્તારોમાં ફુગાવો જુલાઈમાં ૧.૧૮% રહ્યો હતો, જે જૂનમાં ૧.૭૨% કરતા ઘટ્યો છે. શહેરી ફુગાવો પણ ૨.૫૬% થી ઘટી ૨.૦૫% થયો છે. હાઉસિંગ ક્ષેત્રમાં ફુગાવો લગભગ ૩.૧૭% પર સ્થિર રહ્યો, શિક્ષણમાં તે ૪.૩૭%થી ઘટી ૪%, જ્યારે આરોગ્ય ક્ષેત્રમાં ફુગાવો જૂનમાં ૪.૩૮% થી વધીને ૪.૫૭% થયો હતો.અમુક ખાદ્ય પદાર્થોમાં મોંઘવારી દર અપેક્ષા કરતાં નીચો રહ્યો છે. જેમાં અનાજ (૩.૦૩ ટકા), દૂધ અને ડેરી ઉત્પાદનો (૨.૭૪ ટકા) અને ખાંડ અને કન્ફેક્શનરી ઉત્પાદનો (૩.૨૮ ટકા)નો સમાવેશ થાય છે.
બીજી બાજુ જુલાઈમાં ફળોના ભાવમાં વધારો થયો હતો. તેનો ફુગાવો ૧૪.૪૨ ટકા રહ્યો હતો. તેલ અને ચરબીયુક્ત ઉત્પાદનો ૧૯.૨૪ ટકા મોંઘા થયા હતાં. ઇંધણ અને વીજ શ્રેણીનો ફુગાવો ૨.૬૭ ટકા નોંધાયો હતો.
૫૦ અર્થશાસ્ત્રીઓના રોઇટર્સ સર્વેમાં જુલાઈમાં રિટેલ ફુગાવો ઘટીને ૧.૭૬% થવાનો અંદાજ હતો. RBI ની મોનેટરી પોલિસી કમિટી (MPC) દ્વારા રિટેલ મોંઘવારી ૫.૫૦% પર યથાવત રાખી હતી. ફેબ્રુઆરીથી સતત ત્રણ વખત રેપોરેટ કુલ ૧૦૦ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જોકે, ઓગસ્ટમાં રેપો રેટ જાળવી રાખ્યો હતો.