મૃતકો રેસ્ટોરાંના સ્ટાફના સભ્યો હોવાની ચર્ચા
સ્થાનિક પોલીસ રહસ્યમય મોત મામલે તપાસ શરુ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જ્યોર્જિયાથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક ભારતીય રેસ્ટોરાંમાંથી ૧૨ જેટલાં લોકોના મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. આ રેસ્ટોરાંનું નામ ગુડાઉરી સ્કી રિસોર્ટ નામે ઓળખાય છે. મૃતકોમાં ૧૧ વિદેશી જ્યારે અન્ય ૧ જ્યોર્જિયન નાગરિકનો સમાવેશ છે.
જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રાલયે જણાવ્યું કે રેસ્ટોરાંના બીજા માળેથી ૧૨ લોકોના મૃતદેહો મળી આવ્યા હતા જ્યાં આ લોકોના સુવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. એવી માહિતી છે કે મૃતકો રેસ્ટોરાંના સ્ટાફના સભ્યો જ હતા. જોકે તપાસમાં જાણવા મળ્યું કે મૃતકોના મૃતદેહો પર કોઈ શોષણ કે ઈજાના નિશાન નહોતા. પ્રારંભિક ધોરણે જનરેટરનો ઉપયોગ કરતી વખતે શોર્ટ સર્કિટમાં આ લોકોનો મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘરમાં બેડની નજીક રાખવામાં આવેલી જનરેટરની સ્વિચ ચાલુ હતી. પોલીસ ફોરેન્સિક સ્પેશિયાલિસ્ટની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
સ્થાનિક પોલીસ ફોરેન્સિક ટીમ સાથે મળી મોતનો કોયડો ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પ્રારંભિક ધોરણે જણાવ્યું હતું કે, રૂમમાં જનરેટર માટે મર્યાદિત જગ્યા હોવાથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધ્યું હતું. જેના લીધે રૂમમાં ઝેરી વાયુ પ્રસરતાં મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી રિસોર્ટની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે. ખાસ કરીને ઓછી જગ્યામાં જનરેટરનો ઉપયોગ જોખમી હોવા છતાં રિસોર્ટમાં જનરેટર લગાવાયા હતા. જ્યોર્જિયાના આંતરિક બાબતોના મંત્રીએ આ કોયડો ઝડપથી ઉકેલવા આદેશ આપ્યા છે.