Last Updated on by Sampurna Samachar
વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો
કોંગ્રેસ કાર્યકર્તા અને કમિશનરના PA વચ્ચે બોલાચાલી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આણંદ નગરપાલિકામાં પાદરીયા વિસ્તારના રહીશોએ ઉભરાતી ગટરની સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન થતા સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા, રોષે ભરાયેલા સ્થાનિકોએ કોંગ્રેસના કાર્યકર હર્ષિલ દવેની આગેવાનીમાં નગરપાલિકા કચેરી ખાતે હોબાળો મચાવ્યો હતો.

વિરોધ દરમિયાન, સ્થાનિકો અને કોંગ્રેસના કાર્યકરોએ ડેપ્યુટી કમિશનરની ઓફિસનો ઘેરાવ કર્યો હતો. વિરોધને વધુ આક્રમક બનાવતા, રજૂઆત કરવા આવેલા લોકોએ ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ગટરનું પાણી રેડ્યું હતું. આ ઉપરાંત, કોંગ્રેસના કાર્યકર્તાએ ડેપ્યુટી કમિશનરની બેદરકારી અને નબળા વહીવટના પ્રતીક રૂપે તેમના ટેબલ ઉપર બંગડીઓ પણ મૂકી દીધી હતી.
મામલો વધુ તંગ બન્યો
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તા અને કમિશનરના PA વચ્ચે ગરમાગરમ તું…તું…મેં…મેં પણ થઈ હતી, જેના કારણે મામલો વધુ તંગ બન્યો હતો. રહીશોએ આક્ષેપ કર્યો હતો કે તેમની સમસ્યા પ્રત્યે નગરપાલિકા સત્તાધીશો દ્વારા સતત દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.