Last Updated on by Sampurna Samachar
મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી
અમેરિકન એફ-૧૫ ફાઇટર જેટ ક્રેશ થયા બાદ ઈરાનમાં યુએસ સેનાએ ગુમ થયેલા પાયલટને સફળતાપૂર્વક બચાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકી F-૧૫ લડાયક વિમાનના લાપતા ક્રૂ મેમ્બરને ઈરાનમાં ભારે ગોળીબાર વચ્ચે અમેરિકી સેનાએ બચાવી લીધો છે. આ અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, “અમેરિકી સેનાએ વિશ્વના સૌથી ઘાતક હથિયારોથી સજ્જ ડઝન બંધ વિમાનો તેમને પાછા લાવવા માટે મોકલ્યા હતા.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “અમેરિકી સેનાએ પોતાના એક અસાધારણ ક્રૂ મેમ્બર માટે અમેરિકી ઈતિહાસના સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનોમાંના એકને અંજામ આપ્યો છે.” બચાવ અભિયાન વિશે માહિતી આપતા ટ્રમ્પે કહ્યું, “મારા પ્રિય અમેરિકી નાગરિકો, છેલ્લા કેટલાક કલાકોમાં અમેરિકી સેનાએ પોતાના એક અસાધારણ ક્રૂ સભ્ય અધિકારી, જેઓ એક સન્માનિત કર્નલ પણ છે, તેમના માટે અમેરિકી ઈતિહાસના સૌથી હિંમતભર્યા બચાવ અભિયાનને સફળ બનાવ્યું છે.”
અમેરિકી ઈતિહાસના સૌથી હિંમતભર્યા બચાવ અભિયાનને સફળ બનાવ્યું
ટ્રમ્પે કહ્યું કે મને તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે હવે તેઓ સુરક્ષિત છે. આ બહાદુર યોદ્ધા ઈરાનના દુર્ગમ પહાડોમાં હતા, જ્યાં દુશ્મનો તેમનો પીછો કરી રહ્યા હતા અને દર કલાકે તેમની નજીક આવી રહ્યા હતા, પરંતુ તેઓ ક્યારેય સંપૂર્ણપણે એકલા નહોતા કારણ કે તેમના કમાન્ડર ઇન ચીફ, યુદ્ધ સચિવ, સંયુક્ત ચીફ ઓફ સ્ટાફના અધ્યક્ષ અને સાથી સૈનિકો ચોવીસે કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યા હતા અને તેમને બચાવવા માટે જીવ રેડી રહ્યા હતા.
હકીકતમાં, શુક્રવારે કુવૈત ઉપર ઉડી રહેલા અમેરિકી એરક્રાફ્ટને ઈરાને નિશાન બનાવ્યું હતું, જે ક્રેશ થઈ ગયું હતું. જોકે તેનો પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો હતો, જ્યારે બીજો પાયલોટ લાપતા થયો હતો અને તે ઈરાનમાં પડ્યો હોવાના અહેવાલ હતા.
ઈરાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં લાપતા અમેરિકી પાયલોટને માત્ર અમેરિકી સેના જ નહોતી શોધી રહી, પરંતુ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સએ પણ આખા વિસ્તારની ઘેરાબંધી કરીને મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
IRGC એ પાયલોટને શોધવા માટે સૈનિકો ઉપરાંત સ્થાનિક લોકોને પણ અપીલ કરી હતી અને પાયલોટને જીવતો પકડવા પર લગભગ ૬૦,૦૦૦ ડોલરથી વધુનું ઈનામ રાખ્યું હતું.ટ્રમ્પે ઈરાન સામે પોતાનું વલણ વધુ કડક કરતા તેને ૪૮ કલાકનો અંતિમ સમય આપ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન પાસે સમજૂતી કરવા અથવા હોર્મુઝ ખોલવા માટે હવે માત્ર ૨ દિવસનો સમય બચ્યો છે, ત્યારબાદ ઈરાન પર કહેર વર્તાશે.