Last Updated on by Sampurna Samachar
ભારતમાં પતિ અને બાળકો છતાં પાકિસ્તાન યુવક સાથે નિકાહ કર્યો
સરબજીત કૌરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય શીખ મહિલાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે .પાકિસ્તાન ગયેલી ભારતીય શીખ મહિલા સરબજીત કૌરનો કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા એક ભાવુક ઓડિયો ક્લિપને કારણે ફરી ચર્ચામાં આવ્યો છે.

પંજાબના કપૂરથલા જિલ્લાના અમનપુરી ગામની રહેવાસી સરબજીત કૌર ગયા વર્ષે ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓના ગ્રુપ સાથે પાકિસ્તાન ગઈ હતી, પરંતુ ત્યાંથી તે પરત ફરી નહોતી. પાકિસ્તાન રોકાઈને તેણે નાસિર હુસૈન નામના યુવક સાથે લગ્ન કરી લીધા હતા, પરંતુ હવે તેની હાલત અત્યંત દયનીય હોવાનું સામે આવ્યું છે.
નાસિર જેલમાં છે અને સરબજીત શેલ્ટર હોમમાં રાખવામાં આવી
વાઇરલ ઓડિયો ક્લિપમાં સરબજીત કૌર રડતી અને પોતાના પૂર્વ પતિ પાસે ભારત પરત આવવા માટે વિનંતી કરતી સંભળાય છે. તે દાવો કરી રહી છે કે પાકિસ્તાનમાં તેનું સતત શોષણ થઈ રહ્યું છે અને તેની પાસે પહેરવા માટે ગરમ કપડાં કે જૂતા પણ નથી. તે ભાવુક થઈને કહે છે કે, મેં મારા બાળકો અને પતિ માટે આલીશાન ઘર બનાવ્યું હતું, પણ આજે મારી પાસે કંઈ જ બચ્યું નથી.
મને ભારત પાછી લઈ જાઓ અને મને વઢશો નહીં, કારણ કે હું અંદરથી સાવ તૂટી ગઈ છું. તેને ડર છે કે જો તેને ભારત પાછી લઈ જવામાં નહીં આવે તો તેની જાનને ખતરો છે.
પાકિસ્તાન પહોંચ્યાના બીજા જ દિવસે સરબજીતે મુસ્લિમ યુવક નાસિર હુસૈન સાથે નિકાહ કરી લીધા હતા અને પોતાનું નામ બદલીને નૂર રાખ્યું હતું. જો કે, આ લગ્ન બાદ તેને પાકિસ્તાની પોલીસ દ્વારા અટકાયતમાં લેવામાં આવી હતી અને લાહોરના એક સરકારી શેલ્ટર હોમમાં મોકલી દેવામાં આવી હતી. નાસિર અને સરબજીતે પોલીસ હેરાનગતિ વિરુદ્ધ લાહોર હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી, પરંતુ અદાલતના આદેશ છતાં પોલીસ કાર્યવાહી ચાલુ રહી હતી. હાલમાં નાસિર જેલમાં છે અને સરબજીત શેલ્ટર હોમમાં છે.
સરબજીત કૌરના પાકિસ્તાનમાં રોકાવા પાછળ સુરક્ષાના પ્રશ્નો પણ ઊભા થયા છે. પાકિસ્તાન વિધાનસભાના પૂર્વ સભ્ય મહિન્દર પાલ સિંહે હાઈકોર્ટમાં અરજી કરીને આશંકા વ્યક્ત કરી છે કે તે ભારતીય જાસૂસ હોઈ શકે છે. બીજી તરફ, પાકિસ્તાની સત્તાવાળાઓ તેને ભારત ડિપોટ(પરત મોકલવા) કરવા માંગે છે. અગાઉ પણ તેને પરત મોકલવાનો પ્રયાસ થયો હતો, પરંતુ અટારી-વાઘા બોર્ડર બંધ હોવાને કારણે તે શક્ય બન્યું ન હતું.