Last Updated on by Sampurna Samachar
ચીફ સિલેક્ટર અજિત અગરકરે પોતાનો કાર્યકાળ વધારવા માટે કરી માંગ
કાર્યકાળ દરમિયાન ઈન્ડિયાએ ત્રણ ICC ટાઇટલ જીત્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ક્રિકેટમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. સિનિયર મેન્સ સિલેક્શન કમિટીના ચેરમેન અજિત અગરકરે BCCI ને ૨૦૨૭ ODI વર્લ્ડ કપ સુધી તેમનો કાર્યકાળ લંબાવવા વિનંતી કરી છે. અગરકરે આ વિનંતી એવા સમયે કરી છે જ્યારે ભારતીય ટીમે તેમના માર્ગદર્શન હેઠળ સતત ત્રણ ICC ટાઇટલ ૨૦૨૪ T20 વર્લ્ડ કપ, ૨૦૨૫ ચેમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૨૬ T20 વર્લ્ડ કપ જીત્યા છે.

અજિત અગરકરનો કરાર ૨૦૨૫ IPL પહેલા એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. હવે ભારતે ઘરઆંગણે T20 વર્લ્ડ કપ જીત્યાના એક અઠવાડિયા પછી અગરકરે આગામી ૫૦ ઓવરના વર્લ્ડ કપ સુધી કમાન સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે BCCI પ્રમુખ મિથુન મનહાસ કે સચિવ દેવજીત સૈકિયા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આવ્યો નથી, એવું માનવામાં આવે છે કે બોર્ડ આ બાબત પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે.
રોહિત અને વિરાટ ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
અગરકરના કાર્યકાળ દરમિયાન ભારતે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. ભારતે તેની છેલ્લી ૩૩ સફેદ બોલની મેચોમાંથી ફક્ત તેને બે જ મેચોમાં હાર મળી છે અને ૨૦૨૩ અને ૨૦૨૫માં એશિયા કપ પણ જીત્યો છે. તેનાથી વિપરીત ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.
ટીમને ઘરઆંગણે સતત શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો અને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે BCCI માં એક જૂથ બીજા પૂર્વ ક્રિકેટરને ખાસ કરીને પશ્ચિમ ઝોનના એક ક્રિકેટરને આ પદ માટે સંભવિત દાવેદાર માને છે.
સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ વર્લ્ડ કપ ટીમનો ભાગ હશે ? આ બાબતે અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીર બંનેએ સતત વર્તમાનમાં જીવવાની ફિલસૂફી પર ભાર મૂક્યો છે. અગરકરે તાજેતરમાં જણાવ્યું હતું કે બે વર્ષ પછી પરિસ્થિતિ શું હશે તેની કોઈ આગાહી કરી શકતું નથી.
હાલ પૂરતું રોહિત અને વિરાટ ODI ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. જો BCCI અગરકરનો કાર્યકાળ લંબાવશે તો એ સ્પષ્ટ થઈ જશે કે ૨૦૨૭ની મેગા-ઇવેન્ટની બાગડોર તેમના હાથમાં રહેશે.