Last Updated on by Sampurna Samachar
પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી પુરસ્કારોથી સન્માનિત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. જેમને પ્રજાસત્તાક દિનની ઉજવણી દરમિયાન સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ૫ વ્યક્તિઓને પદ્મ વિભૂષણ, ૧૭ ને પદ્મ ભૂષણ અને ૧૧૦ વ્યક્તિઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. અભિનેત્રી વૈજયંતિ માલા અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને પદ્મ વિભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા, જ્યારે મિથુન ચક્રવર્તી અને ઉષા ઉથુપને પદ્મ ભૂષણ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
આ વર્ષના પદ્મશ્રી પુરસ્કારોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ અત્યાર સુધી અનામી રહ્યા હતા, પરંતુ તેમનું કાર્ય સમાજ માટે ખૂબ જ મહત્વનું છે. આ યાદીમાં દેશની પ્રથમ મહિલા મહાવત પાર્વતી બરુઆ અને સામાજિક કાર્યકર જગેશ્વર યાદવ જેવા નામોનો સમાવેશ થાય છે, જેઓ બંને આસામના વતની છે. આ ઉપરાંત ચામી મુર્મુ, સોમન્ના, સર્વેશ્વર, સંગમ સહિતના ઘણા પ્રતિભાશાળી લોકોનો પણ સમાવેશ થાય છે.
પદ્મ પુરસ્કાર વિજેતાઓમાં ૩૦ મહિલાઓ છે. આ ઉપરાંત, વિદેશી ૮ લોકોનો પણ સમાવેશ થાય છે. ૯ વ્યક્તિઓને મરણોત્તર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે. આ પહેલા ૨૩ જાન્યુઆરીએ સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી.
પદ્મ એવોર્ડ મેળવનાર કેટલાક ખાસ વ્યક્તિઓ વિશે માહિતી :
* પાર્વતી બરુઆઃ આસામના શાહી પરિવાર સાથે સંબંધ ધરાવતા પાર્વતી બરુઆએ પોતાનું જીવન હાથીઓની સેવામાં સમર્પિત કર્યું છે. તેઓ એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રુપ, ૈંેંઝ્રદ્ગ ના સભ્ય પણ છે અને હાથીઓના સંરક્ષણ માટે કાર્યરત છે.
* ચામી મુર્મુઃ ચામી મુર્મુએ છેલ્લા ૨૮ વર્ષમાં ૨૮ હજાર મહિલાઓને સ્વરોજગાર પૂરો પાડ્યો છે. તેમને નારી શક્તિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.
* જગેશ્વર યાદવઃ છત્તીસગઢના જગેશ્વર યાદવે પોતાનું જીવન હાંસિયામાં ધકેલાઈ ગયેલા બિરહોર અને પહારી કોરવા લોકોના ઉત્થાન માટે સમર્પિત કર્યું છે. તેઓ નિરક્ષરતા દૂર કરવા અને આરોગ્ય સંભાળ સુધારવા માટે કાર્યરત છે.
- દુખુ માઝીઃ પશ્ચિમ બંગાળના દુખુ માઝીએ ઉજ્જડ જમીન પર ૫,૦૦૦ થી વધુ વૃક્ષો વાવ્યા છે. તેઓ પર્યાવરણના જતન માટે કાર્યરત છે.
- હેમચંદ માંઝીઃ છત્તીસગઢના હેમચંદ માંઝી પાંચ દાયકાથી ગ્રામજનોને સસ્તી આરોગ્ય સેવા પૂરી પાડી રહ્યા છે.
* સંથંકીમાઃ મિઝોરમના સૌથી મોટા અનાથાશ્રમ ચલાવતા સંથંકીમા બાળકોના કલ્યાણ માટે કાર્યરત છે.
* કે ચેલમ્મલઃ આંદામાન અને નિકોબારના કે ચેલમ્મલે ૧૦ એકરનું ઓર્ગેનિક ફાર્મ વિકસાવ્યું છે.
- ગુરવિંદર સિંઘઃ હરિયાણાના ગુરવિંદર સિંઘ વિકલાંગ હોવા છતાં બેઘર, નિરાધાર અને વિકલાંગ લોકોના કલ્યાણ માટે કાર્યરત છે.