Last Updated on by Sampurna Samachar
MSME બિઝનેસ માટે લોનની રકમ વધારી ૨૦ લાખ રૂપિયા કરાઇ
RBI અનુસાર ભારતમાં મોંઘવારી કાબૂમાં
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિની જાહેરાત કરી છે. ૪ ફેબ્રુઆરીથી શરૂ થયેલી નાણાકીય નીતિ સમિતિની બેઠક પૂર્ણ થઈ અને લેવામાં આવેલા ર્નિણયોની જાહેરાત કરવામાં આવી. ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે, સમિતિએ સર્વાનુમતે વ્યાજ દરો યથાવત રાખવાનો ર્નિણય લીધો અને રેપો રેટ ૫.૨૫% પર રાખ્યો છે.

૨૦૨૫માં, રિઝર્વ બેંકે રેપો રેટમાં ૧૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ડિસેમ્બર પોલિસી મીટિંગમાં, MPC એ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો જે ૫.૫ % થી ઘટાડીને ૫.૨૫% કર્યો હતો. ગયા વર્ષે, રિઝર્વ બેંકે રેપો રેટમાં ચાર વખત ઘટાડો કર્યો હતો.
ર્નિણયની સોના-ચાંદીની કિંમતો પર કોઈ અસર નહીં થાય
પ્રથમ, ફેબ્રુઆરીમાં તેમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ એપ્રિલમાં બીજા ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્રીજો ઘટાડો જૂનમાં ૫૦ બેસિસ પોઈન્ટનો હતો અને છેલ્લો ઘટાડો ડિસેમ્બરમાં ૨૫ બેસિસ પોઈન્ટનો હતો.
રેપો રેટ એ દર છે, જેના પર દેશની મધ્યસ્થ બેંક પ્રવાહીતાની અછતને પહોંચી વળવા માટે વાણિજ્યિક બેંકોને ધિરાણ આપે છે. બેંકો સરકારી સિક્યોરિટીઝ સામે ઉધાર લે છે અને પછીથી તેને નિશ્ચિત દરે ચૂકવે છે. જ્યારે રેપો રેટ વધે છે, ત્યારે બેંકો માટે RBI પાસેથી ઉધાર લેવું વધુ મોંઘું થઈ જાય છે, જેના કારણે તેઓ ઘર અને કાર લોન પર વ્યાજ દરમાં વધારો કરે છે. જ્યારે રેપો રેટ ઘટે છે, ત્યારે બેંકો માટે ગ્રાહકોને ઓછા વ્યાજ દરે ધિરાણ આપવાનું સરળ બને છે. એકંદરે, રેપો રેટમાં વધારો અને ઘટાડો તમારા નાણાકીય ક્ષેત્રને અસર કરે છે.
આ સિવાય MSME બિઝનેસ માટે લોનની રકમ વધારીને ૨૦ લાખ રૂપિયા કરવામાં આવી છે. સોના-ચાંદીને લઈને પણ મોટો ર્નિણય લેવામમાં આવ્યો છે. રિઝર્વ બેન્કે કહ્યું છે કે ઈન્ફ્લેશન મોનિટરી ફ્રેમવર્કમાં જે વસ્તુઓ પર નજર રાખવામાં આવે છે તે લિસ્ટમાં સોના-ચાંદીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે અત્યાર સુધી આ ફ્રેમવર્કમાં ડુંગળી અને ટામેટાં જેવી વસ્તુઓની કિંમત પર નજર રાખવામાં આવતી હતી. હવે સોના-ચાંદીની કિંમતો પર પણ નજર રાખવામાં આવશે. જોકે વિશ્લેષકોનું માનવું છે કે આ ર્નિણય સોના-ચાંદીની કિંમતોમાં અચાનક જ વધારા-ઘટાડાને જોતાં લેવામાં આવ્યો છે. આ ર્નિણયની સોના-ચાંદીની કિંમતો પર કોઈ અસર નહીં થાય.
નોંધનીય છે કે અમેરિકન ડોલર નબળો થવાના કારણે વૈશ્વિક સ્તરે સોના-ચાંદીની કિંમતમાં છેલ્લા ૪ મહિનાથી ભારે તેજી જોવા મળી રહી છે. જોકે વચ્ચે અચાનક જ બંને કિંમતી ધાતુની કિંમતમાં ઘટાડો પણ થયો હતો. સોના-ચાંદીની કિંમત મોટા ભાગે સ્થિર માનવામાં આવતી અને તેમાં ધીમે ધીમે વધારો થતો હતો. પણ હાલના દિવસોમાં ભારે તેજીના કારણે ચાંદી તો એક સમયે ૪ લાખ રૂપિયાને પાર જતી રહી હતી. જે બાદ કિંમતો ક્રેશ પણ થઈ.
RBI અનુસાર ભારતમાં મોંઘવારી કાબૂમાં છે. સોનું-ચાંદી છોડીને ભારતમાં મોંઘવારી દર ૨.૬ ટકા હતો. જોકે સાથે સાથે ચેતવણી પણ આપી છે કે વૈશ્વિક ઉથલપાથલ, ઉર્જા બજારોમાં અસ્થિરતા, મોસમમાં બદલાવના કારણે મોંઘવારીમાં વધારો થઈ શકે છે.