Last Updated on by Sampurna Samachar
હવે દુનિયાની આગામી મહામારી બનશે બે બીમારી
અમેરિકા અને યુરોપ જેવા દેશો વેક્સીન સામે અવિશ્વાસ જાહેર કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દુનિયાએ હાલમાં જ કોરોના મહામારીનો સામનો કર્યો છે. ત્યારે હવે દુનિયા બીજી બે બીમારીઓનો શિકાર થઈ શકે તેમ જણાઇ રહ્યુ છે. બંને બીમારીઓ સામાન્ય છે, પરંતુ તે આરોગ્ય ક્ષેત્રમાં સુનામી લાવી શકે છે. ઈબોલા વાયરસ શોધવામાં સહાય કરનાર તેમજ એચઆઈવી-એઈડ્સ સામે વૈશ્વિક લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વિખ્યાત વાયરોલોજિસ્ટ પીટર પાયટે આગામી સમયમાં સ્થૂળતા અને ડાયાબિટીસ મહામારીની આગાહી કરી છે.

બાયો એશિયા સંમેલનમાં જાણીતા વાયરોલોજિસ્ટ પીટર પાયટે ચેતવણી આપી છે. તેઓએ વિશ્વભરમાં વધી રહેલા ડાયાબિટીસના કેસ અંગે સુનામીની વોર્નિંગ આપી છે. તેઓએ કહ્યું કે, વિશ્વની સામે સૌથી મોટો પડકાર કોઈ વાયરસ નહિ, પરંતું સ્થૂળતા અને ડાયાબિટીસ છે. આગામી સમયમાં આ બંને બીમારીઓ ગંભીર આરોગ્ય જોખમ બની શકે છે.
અનેક મોંઘીદાટ દવાઓ ઓછા ખર્ચે ઉત્પાદનમાં સફળતા પ્રાપ્ત
તેઓએ કહ્યું કે, સાયન્સ અને ટેકનોલોજીમાં પ્રગિત થવા છતાં સમાજ આરોગ્ય સંબંધિત ભાવિ પડકારોનો સામનો કરશે, અને તેની સામે કોઈ જ તૈયારી નથી. તેમાં પણ અમેરિકા અને યુરોપ જેવા દેશો વેક્સીન સામે અવિશ્વાસ જાહેર કરી ચૂક્યા છે.
તેમણે આગળ કહ્યું કે, સ્થૂળતા અને ડાયાબિટીસ જે રીતે વધી રહ્યાં છે, તે જોતા નવી દવાઓ માર્કેટમાં આવી છે. પરંતું ઉંચી કિંમતના કારણે લોકો તેને ખરીદવામાં અસક્ષમ છે. દેશમાં આગામી સમયમાં દવાઓ સસ્તી થઈ શકે છે. કારણ કે, અગાઉ અનેક મોંઘીદાટ દવાઓ ઓછા ખર્ચે ઉત્પાદન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ ચૂકી છે. તેથી હવે મેડિકલ ક્ષેત્રે માત્ર ઈનોવેશન અને સંશોધન પર વધુ ધ્યાન રાખવું પડશે.
આ ઉપરાંત પીટર પાયટે આરોગ્યને પ્રાથમિકત આપવા પર ભાર આપ્યો છે. આરોગ્ય સંભાળમાં વધુ રોકાણ, બહેતર સંપર્ક અને ધૂમ્રપાન જેવા જોખમી પરિબળો ઘટાડવાના પ્રયાસ દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવા મુખ્ય રહેશે.