Last Updated on by Sampurna Samachar
૧૭ વ્યક્તિઓની શોધખોળ અને પુછપરછ શરૂ
ટૂંક સમયમાં સજાની પણ જાહેરાત કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પોપ્યુલર બિલ્ડર રમણભાઈ પટેલની મુશ્કેલી ઓછી થવાનું નામ લઈ રહી નથી. અમદાવાદના જાણીતા પોપ્યુલર બિલ્ડર રમણ પટેલની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. જમીન કૌભાંડના એક મહત્ત્વના કેસમાં સાણંદ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. સાણંદની કોર્ટે પોપ્યુલર બિલ્ડર રમણ પટેલને આ કૌભાંડ મામલે દોષી ઠેરવ્યા છે.

આ કેસ સાણંદના ચેખલા ગામની જમીન કૌભાંડ સાથે સંબંધિત છે, જેમાં રમણ પટેલ પર ખોટા દસ્તાવેજાે બનાવીને જમીન પચાવી પાડવાનો આરોપ હતો. અગાઉ પણ રમણ પટેલ સામે જમીન પચાવી પાડવાના અનેક ગુનાઓ નોંધાયેલા છે. કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા બાદ, હવે ટૂંક સમયમાં જ સજાની જાહેરાત પણ કરવામાં આવશે. હાલ પૂરતો સજાનો આદેશ અનામત રાખવામાં આવ્યો છે.
પરિવારના કેટલા સભ્યોની ધરપકડ થાય તે જોવુ રહ્યું
બિલ્ડર રમણ પટેલ અને તેમની સાથે જોડાયેલી અલગ અલગ ૫૨ કંપનીઓના નામે સાણંદના ચેખલા ગામે આવેલી કરોડોની જમીન પચાવી લેવામા આવી હતી. પ્રતિબંધિત સત્તા વિસ્તારની જમીનમાં મામલતદારનો ખોટો ઓર્ડર કરી જમીનને બિન ખેતી કર્યા બાદ, વર્ષ ૧૯૯૫ ૧૯૯૬માં જીવાભાઇ પટેલની માલિકીની જમીન અલગ અલગ ૫૨ કંપનીઓ અને તેના હોદ્દેદારો તથા રમણ પટેલના નામે કરી જમીન પચાવી લીધી હતી.
જે અંગે જીવાભાઇ પટેલના મૃત્યુ બાદ પરિવારના ધ્યાને આવતા પોલીસમાં ફરિયાદ કરવામા આવી હતી. જે તપાસ બાદ પોલીસે સાણંદ પોલીસ મથકે ગુનો નોંધી રમણ પટેલની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે પ્રતિબંધિત સત્તા વિસ્તારની જમીન હોવા છતાં ખોટો રેકોર્ડ ઉભો કરી ચેખલા ગામની જમીન રમણ પટેલ નહીં ભાગીદારી પેઢીના નામે ખરીદ દસ્તાવેજ ઉભો કરી તે જમીન પચાવી પાડવામાં આવી હતી. બાદમાં અલગ અલગ બાવન કંપનીઓના નામે તેનો દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે દરેક કંપની ના એક ભાગીદાર રમણ પટેલ પણ હોવાનું સામે આવ્યું છે.
જોકે સમય અંતરે આ તમામ પેઢીઓ એકબીજામાં ભળી ગઈ હતી અને આખરે જમીનનો કબ્જો રમણભાઈ પટેલ પાસે હતો. જેથી પોલીસે ગુનો નોધી તેમની ધરપકડ કરી છે. સાથે જ તમામ પેઢીઓ વચ્ચે થયેલા નાણાકીય વ્યવહારોની તપાસ પણ શરૂ કરવામાં આવી.
જમીન માલિકે નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે જમીનના ટોટલ રૂપિયા રોકડમાં ચૂકવ્યા હોવાનો ખોટો રેકોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. જોકે ફરિયાદીને કે તેના પરિવારને એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. જેથી પોલીસે રમણ પટેલની ધરપકડ કરી ૫૨ પેઢીમાં નામ ધરાવતા અલગ અલગ ૧૭ વ્યક્તિઓની શોધખોળ અને પુછપરછ શરૂ કરી છે. ત્યારે મહત્વનું છે કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે અને રમણ પટેલના પરિવારના કેટલા સભ્યોની આ ગુનામાં ધરપકડ કરવામાં આવે છે તે જોવુ મહત્વનું છે.
 
				 
								