વર્ષ ૨૦૨૬-૨૭ નું રૂ. 4,08,053 કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું

દરેક ક્ષેત્રને આવરી લેવાયા

(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતમાં નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ રજૂ કર્યું હતુ. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. જેમાં ખાસ કરીને આવાસ યોજના, આંગણવાડી કેન્દ્રો તથા ૫ નવી GIDC બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતનું ૪,૦૮,૦૫૩  કરોડનું વિક્રમી બજેટ જાહેર કરવામાં આવ્યું છે.

સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું પાંચ સ્તંભ-સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતર માળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૪ લાખ ૮ હજાર ૫૩ કરોડનું વિક્રમી અંદાજપત્ર રજૂ કરાયું છે.

આવાસ , મહિલા સશક્તિકરણ સહિત થશે લાભ

જાહેર પરીવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાને લઇ આધુનિક ટેકનોલોજી ધરાવતી ૨૪૬૩ જેટલી નવી બસો, જેમાં ૫૦૦ AC  ઈલેકટ્રીક બસો મૂકવામાં આવશે. તેમજ આદિજાતિ વિસ્તારમાં વસતાં ભાઇ-બહેનો, વિદ્યાર્થીઓ તથા ઔદ્યોગિક વિસ્તારોમાં કામ અર્થે આવતા શ્રમિકો માટે ૫૦૦ મીની બસ મૂકવામાં આવશે. જેના માટે કુલ રૂ.૧૨૮૬ કરોડની જોગવાઇ કરાઈ છે.

કચ્છ અને અન્ય વન વિસ્તારમાં ગાંડા બાવળને દૂર કરી તેના સ્થાને બામ્બૂ સહિત અન્ય સ્થાનિક વૃક્ષોનું વાવેતર કરવા તેમજ કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્ડ રીસ્ટોરેશન માટે રૂ.૯૭ કરોડની જોગવાઇ કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહત્ત્વના નીતિગત ર્નિણયો લેવામાં આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની નવી, અવિભાજ્ય કે પ્રતિબંધિત શરતની જમીનો હવે સ્વમેળે ‘જૂની શરત‘ની ગણાશે. આનાથી ખેડૂતોને પ્રીમિયમ ભરવામાંથી મુક્તિ મળશે. કાયદો અને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતીના પગલા વધારવા રાજ્યની કટોકટી સેવાઓને ડાયલ-૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ આવરી લીધેલ છે. જેથી ઇમરજન્સી રિસ્પોન્સ સમયમાં વધુ ઘટાડો થશે. જેના અસરકારક અમલીકરણ માટે વિવિધ સંવર્ગનું ત્રણ હજાર માનવબળ ઊભુ કરવાનું આયોજન છે.

ગુજરાત પોલીસ માટે Data Fusion Centre & Centre of Excellence for AI in Policing ની સ્થાપના કરવામાં આવશે. જે તમામ મહત્વપૂર્ણ પોલીસ ડેટાનું સંકલન કરી વિશ્લેષણ કરશે. આ પ્રોજેકટ માટે રૂ.૬૦ કરોડની જોગવાઇ. રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ પ્રજાજનોની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા પોલીસ કર્મચારીઓ માટે અત્યાધુનિક ટેકનોલોજીથી આગામી પાંચ વર્ષમાં ૨૦૪૪૪ જેટલા રહેણાક મકાનો પૂરા પાડવા માટેનું આયોજન છે. જે માટે આ બજેટમાં રૂ.૧૫૭૧ કરોડની જોગવાઇ કરાઈ છે.

નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે ઘર સુધી નિયમિત ગુણવત્તાયુકત પાણી પહોંચાડવું એ અમારી સરકારની પ્રતિબદ્ધતા છે. ૩૨ શહેરી સ્થાનિક સંસ્થાઓના વિસ્તારોમાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત બનાવવા મિશન-દૈનિક પાણી પુરવઠો- “જીવન ધારા” અમલમાં મૂકવામાં આવશે. જેના માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરું છું.

ગુજરાત “ડમ્પ ફ્રી” રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જેના ભાગરૂપે ડમ્પ સાઇટ પર સંગ્રહિત ૨૫૩ લાખ મેટ્રીક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરેલ છે. તેમજ બાકી રહેતી તમામ સાઇટને ડમ્પ ફ્રી કરી તેનો ઉપયોગ જાહેર હેતુ માટે કરવાનું આયોજન છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ અને તેના પરાઓના જોડાણ તેમજ રસ્તાઓના રખરખાવ તથા કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે માટે રૂ.૫૬૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

રાજ્યના અલગ અલગ વિસ્તારોના આશરે ૧૧૫૫ કિ.મી. લંબાઈના રસ્તાઓને ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ તરીકે ઘોષિત કર્યા છે. જે રાજ્યના સર્વાંગી વિકાસ, રોજગાર અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચરની દિશામાં મહત્વપૂર્ણ કડી છે. જેના માટે રૂ. ૮૦૦ કરોડની જોગવાઇ છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે સફેદ રણના સૌંદર્યથી દરિયાના ઘૂઘવતાં મોજા સુધી, સૂર્યમંદિરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી, ગીરની ગર્જનાથી સોમનાથ સુધી પ્રકૃતિનું વૈવિધ્ય અને સંસ્કૃતિનો અદ્વિતીય સંગમ છે. ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસ્થાપિત કરવા વર્ષ ૨૦૨૬ને “ગુજરાત પ્રવાસન વર્ષ” તરીકે ઉજવવાની જાહેરાત કરું છું.

વિશ્વના આઇકોનિક પ્રવાસન સ્થળ તરીકે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી‘ ઉભરી આવ્યું છે. જેના કારણે પરિવહન, હોસ્પિટાલિટી અને હસ્તકળા જેવા ક્ષેત્રોમાં રોકાણને મોટો વેગ મળ્યો છે. જેણે સ્થાનિક આદિવાસી સમુદાય માટે વિશાળ રોજગારીની તકોનું સર્જન કર્યું છે. આ વિસ્તારની આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ.૨૩૬ કરોડની જોગવાઇ કરું છું.

સમગ્ર ભારત વર્ષની આન, બાન, શાન અને સ્વાભિમાનનું પ્રતિક એટલે સોમનાથ. વારંવાર થયેલા હુમલા છતાં પણ ૧ હજાર વર્ષ પૂર્વેથી સોમનાથ મંદિર લોકોની અતૂટ આસ્થાના કારણે આજે પણ ગર્વભેર અડીખમ ઊભું રહ્યું છે. આ અવસરને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં શરૂ કરાયેલ “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ઉજવણી સમગ્ર વર્ષ દરમિયાન કરાશે.

ગુજરાતની પવિત્ર ધરા પર હજારો વર્ષ જૂની સિંધુ સંસ્કૃતિના સાક્ષી એવા લોથલ અને ધોળાવીરા વિશ્વભરના પ્રવાસીઓ માટે નવા આકર્ષણના કેન્દ્ર બન્યાં છે. PM મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા ભારતની પ્રાચીન સંસ્કૃતિની અનુભૂતિ કરાવતું “નેશનલ મેરીટાઇમ હેરીટેજ મ્યુઝિયમ” લોથલ ખાતે નિર્માણ પામી રહ્યું છે.

રાજ્યના પ્રવાસન સ્થળો ખાતે એક હજાર ટુરિસ્ટ ગાઇડને તાલીમ આપી તૈયાર કરવાનું આયોજન છે. ઉપરોક્ત આયોજનો માટે કુલ રૂ.૯૫ કરોડની જોગવાઇ. રાજ્યની પરંપરા, મહેમાનગતિ અને ઐતિહાસિક ભવ્યતા સાથે “વેડ ઇન ગુજરાત કેમ્પેઇન દ્વારા ગુજરાતની વેડિંગ ડેસ્ટીનેશન તરીકે આગવી ઓળખ ઊભી કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે પવિત્ર યાત્રાધામ બહુચરાજીના નવનિર્માણ, જૂનાગઢના ગીરનાર ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળામાં અને માઁ નર્મદાની પરિક્રમા માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે રૂ.૫૫ કરોડની જોગવાઇ સૂચવું છું. સોમનાથ અને શિવરાજપુર બીચ પ્રવાસીઓ માટે વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે આકર્ષક પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસી રહ્યાં છે. તેમજ વિસાવડા-પોરબંદર ખાતે સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા કુલ રૂ.૬૦ કરોડની જોગવાઇ કરું છું.

રાજ્યના પવિત્ર યાત્રાધામ સોમનાથ અને અંબાજી ખાતે આઇકોનિક બસ સ્ટેશન તેમજ અન્ય સ્થળોએ બસ સ્ટેશન બનાવવામાં આવશે અને સોમનાથ મુકામે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબના ધોરણે અદ્યતન સુવિધા ધરાવતું બસ પોર્ટનું નિર્માણ કરવામાં આવશે. જેના માટે ૪૪૭ કરોડની ફાળવણી. રાજ્યના વિવિધ જળાશયો અને નહેરોની જળસપાટીનો મહત્તમ ઉપયોગ કરવાના હેતુથી કડાણા ડેમમાં નવતર ફ્લોટિંગ સોલર પ્રોજેક્ટ સ્થાપવાનું આયોજન છે. જેના માટે રૂ.૧૫૦ કરોડની જોગવાઇ.

આર્ત્મનિભર ભારતની પહેલને સાકાર કરવા રાજ્ય પાસે સંગ્રહિત પરંતુ હાલમાં વણવપરાયેલ વિપુલ ખનીજ સંસાધનો અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી મેળવવામાં આવશે. જે પૈકી અંબાજી કોપર પ્રોજેક્ટ ગુજરાતની પ્રથમ ભૂગર્ભ કોપર-લેડ-ઝીંક ખાણ બનશે. જે આયાતની ર્નિભરતા ઘટાડશે. આ માટે રૂ.૬૧૩ કરોડની જોગવાઇ કરાઈ છે. તેમજ અંડરગ્રાઉન્ડ કોલ ગેસિફિકેશન પદ્ધતિથી લિગ્નાઇટમાંથી ગેસનું ઉત્પાદન કરવાનું આયોજન છે. જેનાથી પ્રદૂષણની સમસ્યાઓને હલ કરવામાં મદદ મળશે. જેના માટે રૂ.૩૦૦ કરોડની જોગવાઇ કરાઈ છે.

નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી સરકારી સેવાઓ ઝડપથી મળશે. જેમાં અલગ અલગ સેવાઓ માટે પૂરા પાડવાના થતાં દસ્તાવેજોનું પુનરાવર્તન ઘટવાથી સમય અને ખર્ચનો બચાવ થશે. જેના માટે રૂ.૧૦૦ કરોડની ફાળવણી.

રાજ્યના શહેરી વિસ્તારોમાં હયાત ઓવરહેડ વીજ લાઇનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવા “ગુજરાત વાયર-ફ્રી સીટી મિશન” અંતર્ગત રૂ.૫૦૦ કરોડની જોગવાઇ. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંવેદનશીલ સરહદી વિસ્તારમાં ઓવરહેડ લાઈનના માળખાને અત્યાધુનિક એલિવેટેડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવા માટે રૂ.૧૦૦ કરોડની જોગવાઇ છે.

નાગરિક સેવાઓને વિશ્વસ્તરીય બનાવવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ હાલની જોગવાઇમાં લગભગ ૧૭% જેટલો વધારો કરી રૂ.૧૬ હજાર ૧૧૬ કરોડની જોગવાઇ કરાઈ છે. રાહદારીઓની પરિવહન કાર્યક્ષમતામાં સુધારો કરી સુલભ શહેરી ગતિશીલતાને પ્રોત્સાહન આપવા શહેરો અને નગરપાલિકાઓમાં રૂ.૧૦૦ કરોડના ખર્ચે સ્માર્ટ પાર્કીંગ બનાવવાશે.

રાજ્યમાં આવેલ મોટા શહેરો પરનું ભારણ ઘટે અને રોજગારીની નવી તકો ખુલે તે હેતુથી મુખ્ય શહેરોની નજીક આધુનિક સુવિધાઓ સાથે પાંચ નવા સેટેલાઇટ ટાઉન વિકસાવવામાં આવશે. જેમાં કલોલ, સાણંદ, સાવલી, બારડોલી અને હિરાસરના વિકાસનું આયોજન છે. જેને રીજનલ રેપિડ ટ્રાન્ઝીટ સિસ્ટમથી મોટા શહેરો સાથે જોડવામાં આવશે.

આગામી કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ રૂ.૧૨૭૮ કરોડની જોગવાઇ કરાઈ છે.

મહિલા સશક્તિકરણને આર્થિક સ્વાવલંબન સાથે જોડવાના દૃઢ સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘લખપતિ દીદી’ અભિયાનને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.  ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મહિલાઓ દ્વારા સંચાલિત સ્વ-રોજગાર પ્રવૃત્તિઓને વિસ્તૃત કરવા, નવા વ્યવસાય શરૂ કરવા અને હાલના વ્યવસાયોને સ્કેલ-અપ કરવા રૂ.૪૭ કરોડની જોગવાઇ કરાઈ છે.

નમો લક્ષ્મી યોજનાના અસરકારક અમલીકરણથી ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓના શાળા પ્રવેશમાં છેલ્લા બે વર્ષમાં નોંધપાત્ર વધારો થયેલ છે. જેના માટે રૂ.૧૨૫૦ કરોડની જાેગવાઇ કરાઈ છે. વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય મળી રહે તે માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અમલી છે. જેના માટે રૂ.૨૮૪૮ કરોડની જોગવાઇ કરાઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.