બિહારમાં બીજા તબક્કામાં રેકોર્ડબ્રેક મતદાન

Share this Article:

Last Updated on by Sampurna Samachar

૧૧ જિલ્લામાં મતદાન યોજાયું હતુ

કુલ ૧૩૦૨ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે

(સંપૂર્ણ સમાચાર સેવા)

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૧૨૨ બેઠકનું મતદાન આજે શરૂ થઇ ગયું છે. આ મતદાનમાં ૩.૭૦ કરોડ મતદાતાઓ નીતિશકુમારની સરકારના અડધા ડઝન મંત્રીઓ સહિત કુલ ૧૩૦૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ,  અરેરિયા અને કિશનગંજ સહિત ૧૧ જિલ્લામાં મતદાન યોજાયું. બધા વિસ્તાર નેપાળની સાથે સરહદ ધરાવતા ક્ષેત્ર છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બમ્પર મતદાન થયું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. સાંજે ૫ વાગ્યા સુધીમાં રેકોર્ડબ્રેક ૬૭.૧૪ ટકા મતદાન થયું. વધુ મતદાન બાદ હવે તમામ રાજકીય પક્ષો પોતપોતાનાં સમીકરણો તપાસી રહ્યા છે કે વધુ મતદાનની અસર શું થશે?

ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ

બિહાર બીજા તબક્કાના મતદાનમાં નવો રેકોર્ડ બનાવી શકે છે. બપોરે ૩ વાગ્યા સુધીમાં ૬૦.૪૦ ટકા મતદાન થયું છે. અહેવાલો અનુસાર, વર્ષ ૨૦૦૦ની વિધાનસભા ચૂંટણીમાં ૬૨.૫૭ ટકા મતદાન થયું હતું. ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં ૬૪.૬ ટકા મતદાન થયું હતું. એકંદરે, ૧૯૯૮ની લોકસભા ચૂંટણીમાં બિહારમાં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ છે. આ વખતે, તે રેકોર્ડ પણ તૂટી શકે છે.

બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં ૨૦ જિલ્લાઓની ૧૨૨ વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. બપોરે ૧ વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી ૪૭ ટકાને વટાવી ગઈ હતી. બપોરે ૧ વાગ્યા સુધી મતદાન ૪૭.૬૨ ટકા હતું. પહેલા તબક્કામાં બપોરે ૧ વાગ્યા સુધી ૪૨.૩૧% મતદાન થયું હતું.

અરરિયાના ફારબિસગંજમાં ભાજપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે અથડામણ થઈ. પરિસ્થિતિ વધુ વણસી રહી હતી જેના કારણે સુરક્ષા કર્મચારીઓએ બળપ્રયોગ કરવો પડ્યો. આ ઘટના ફારબિસગંજ કોલેજના બૂથ નંબર ૧૯૮ પર બની હતી. કોંગ્રેસના સમર્થકોનો આરોપ છે કે ભાજપના ધારાસભ્ય અને NDA ઉમેદવારે કોંગ્રેસના મતદારોને માર મારવાની હાકલ કરી હતી. આ કોલ બાદ ઉશ્કેરાયેલા કોંગ્રેસ કાર્યકરોએ મતદાન મથકની બહાર હોબાળો મચાવ્યો હતો. લગભગ અડધા કલાકની અશાંતિ બાદ સુરક્ષા કર્મચારીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં સફળતા મેળવી હતી.

આ અંગે SDO રણજીત કુમાર રંજને જણાવ્યું હતું કે પરિસ્થિતિનો ઉકેલ આવી ગયો છે અને કોઈ લાઠીચાર્જ થયો નથી. આ ગરબડીઓ વચ્ચે, પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે આરોપોની આગમાં વધુ ઘી હોમ્યું છે. તેમનું કહેવું છે કે, “ઘણા બૂથો પર મતદારો પર લાઠીચાર્જ થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ મશીનો ખરાબ છે. લોકશાહીમાં આ ખોટું છે… સીમાંચલ અને કોસી જેની સાથે ઉભા રહે છે, તે જ સરકાર બનાવે છે.” પ્રશાસનનું કહેવું છે કે ટેકનિકલ ટીમોને તાત્કાલિક મોકલી દેવામાં આવી છે અને મતદાન પ્રક્રિયાને સામાન્ય બનાવવાનો પ્રયાસ ચાલુ છે.

બિહાર ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કામાં વહેલી સવારે મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર ચૂંટણીના બીજા તબક્કામાં સવારે ૯ વાગ્યા સુધીમાં ૧૪.૫૫% મતદાન થયું છે. બીજા તબક્કાના મતદાનમાં કુલ ચાર લાખથી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.

કુલ ૪૫૩૯૯ મતદાન મથકો પર મતદાન થશે, તેમાથી ૪૦૦૭૩ મતદાન મથક ગ્રામીણ વિસ્તારમાં આવેલા છે. કુલ મતદાતાઓમાં અડધા ઉપરાંતના એટલે કે ૨.૨૮ કરોડ જેટલા મતદાતા ૩૦ થી ૬૦ વર્ષની વયના છે. જ્યારે ફક્ત ૭.૬૯ લાખ મતદાતા જ ૧૮ થી ૧૯ વર્ષના વયજૂથમાં છે.

૧૨૨ મતવિસ્તારોમાં મહિલા મતદારોની સંખ્યા ૧.૭૫ કરોડ છે. ૩.૬૭ લાખ મતદારો સાથે નવાડા જિલ્લાની હિસુઓ બેઠક સૌથી મોટો મતવિસ્તાર છે. જ્યારે લૌરિયા, ચંપતિયા, રાક્સોલ, ત્રિવેણીગંજ, સુગૌલી અને બન્મખીમાં સૌથી વધુ ૨૨-૨૨ ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં ૧૨૧ મતવિસ્તારોમાં ૬૫ ટકા જેટલું ઊંચું મતદાન થયું છે.

મોટાભાગના જિલ્લા સીમાંચલમાં આવેલા છે અને અહીં મુસ્લિમોની વસ્તી મોટાપાયા પર હોવાથી ઇન્ડિયા બ્લોકના સારા પર્ફોર્મન્સની જવાબદારી તેના શિરે છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને શાસક પક્ષના કેબિનેટ પ્રધાન બિજેન્દ્રપ્રસાદ યાદવ સળંગ રેકોર્ડ બ્રેક સળંગ આઠમી વખત તેમની સુપૌલની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.આ જ રીતે તેમના કેબિનેટના સહયોગી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રેમકુમાર પણ આઠમી વખત તેમની સીટ જાળવવા મેદાનમાં ઉતરશે.

અન્ય જાણીતા ચહેરોઓમાં જોઈએ તો ભાજપના મંત્રી બેટ્ટિયાના રેણુદેવી અને છતપુરના નીરજકુમાર જેવા જાણીતા ચહેરાની પણ બરોબરની કસોટી થશે. આ સિવાય જેડીયુના લેશીસિંહની ધમદાહા, શીલા મંડલની ફુલપારસ અને ચૈનપુરમાં ઝમાખાનના બળાબળના પારખા થશે.

ભાજપના જ અન્ય જાણીતા ચહેરાઓમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તારકિશોર પ્રસાદ સળંગ  પાંચમી ટર્મ માટે તેમની કટિહાર સીટ જાળવવા ચૂંટણીના જંગમાં ઉતરશે.

કટિહાર જિલ્લો બલરામપુર અને કડવા વિધાનસભા બેઠકો પણ ધરાવે છે. અહીં સીપીઆઈ-એમએલના મહેબૂબ આલમ અને શકીલ એહમદ ખાન તેમની સીટ જાળવવા ત્રીજી વખત ઉતરશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.