Last Updated on by Sampurna Samachar
એક બીજાનું મોં મીઠું કરીને વિવાદનો સુખદ અંત લાવ્યો
જૂની અદાવત ભૂલાવી સમાધાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના લોકપ્રિય લોકસાહિત્યકાર દેવાયત ખવડ લાંબા સમયથી ચાલી રહેલા વિવાદને કારણે ચર્ચામાં હતા. જોકે, હવે આ પ્રકરણનો સુખદ અંત આવ્યો છે. સનાથલના ચૌહાણ પરિવાર અને દેવાયત ખવડ વચ્ચે ઔપચારિક રીતે સમાધાન થઈ ગયું છે. ભગવતસિંહ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની હાજરીમાં બંને પક્ષોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને જૂની અદાવત ભૂલાવી સુખદ અંત લાવ્યો છે.

મળતી માહિતી મુજબ,છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતના સોશિયલ મીડિયા અને સાહિત્ય જગતમાં દેવાયત ખવડ અને સનાથલના ક્ષત્રિય પરિવાર વચ્ચેનો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો. આખરે, બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં રાહતના સમાચાર મળ્યા છે. તાજેતરમાં દેવાયત ખવડ અને ચૌહાણ પરિવારના સભ્યો એકસાથે જોવા મળ્યા હતા. ભગવતસિંહ ચૌહાણ અને ધ્રુવરાજસિંહની ઉપસ્થિતિમાં, ખવડે સામે ચાલીને સંબંધો સુધાર્યા હતા. બંને પક્ષે એકબીજાને મીઠાઈ ખવડાવીને દુશ્મનાવટ પૂરી કરી હતી અને વિવાદનો શાંતિપૂર્ણ રીતે અંત આવ્યો હતો.
બંને પક્ષો હળવાશભર્યા મૂડમાં જાેવા મળ્યા
આ સમગ્ર વિવાદના મૂળમાં એક ડાયરાનો કાર્યક્રમ હતો. મળતી માહિતી મુજબ, અમદાવાદના સનાથલ ખાતે ૨૦ ફેબ્રુઆરીના રોજ એક ડાયરો યોજાયો હતો, જેમાં દેવાયત ખવડ ગેરહાજર રહ્યા હતા. આ બાબતે ચૌહાણ પરિવાર અને ખવડ વચ્ચે મનદુ:ખ થયું હતું અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે બાદ કથિત રીતે ખવડની ગાડી પર હુમલો થયો હતો અને સામસામે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ હતી.
વિવાદ ત્યારે વકર્યો જ્યારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામે એક હિંસક ઘટના બની. ધ્રુવરાજસિંહ ચૌહાણ અને તેમના મિત્રો ત્યાં રોકાયા હતા ત્યારે સોશિયલ મીડિયા સ્ટેટસ પરથી રેકી કરીને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારે ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારી હતી અને ત્યારબાદ મારપીટ કરવામાં આવી હતી.
આ ઘટના બાદ દેવાયત ખવડ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો અને તેઓ જેલવાસ પણ ભોગવી આવ્યા હતા. સામા પક્ષે ભગવતસિંહે ખવડ સામે ૮ લાખની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
લગભગ ૫ મહિના સુધી ચાલેલા સંઘર્ષ, કોર્ટ કેસ અને જેલવાસ બાદ હવે બંને પક્ષોએ સમજદારી દાખવી છે. “ઘીના ઠામમાં ઘી” પડી ગયું છે તેમ કહી શકાય. આ સમાધાનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને પક્ષો હળવાશભર્યા મૂડમાં જાેવા મળી રહ્યા છે.