Last Updated on by Sampurna Samachar
સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી
પગારપંચની રચના માટેનું જાહેરનામું ૩ નવેમ્બરે જાહેર કરાયુ હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
૮ મા પગારપંચ અંગે સરકારે સંસદમાં નવી માહિતી શેર કરી છે. જેમાં સરકારે સ્પષ્ટતા કરી છે કે, ૮ મા કેન્દ્રીય પગારપંચની ઔપચારિક રચના થઈ ગઈ છે અને નિર્ધારિત સમયમર્યાદામાં તેની ભલામણો રજૂ કરશે.

રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, પગારપંચની રચના માટેનું જાહેરનામું ૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જારી કરવામાં આવ્યું હતું. સાંસદો સરકાર પાસેથી જાણવા માંગતા હતા કે, કમિશન કયા મુદ્દાઓની સમીક્ષા કરશે અને તેની ભલામણોને લાગુ કરવા માટે સંભવિત સમયમર્યાદા શું હશે.
કેન્દ્ર સરકારના બજેટ પર કેટલું બોજ પડશે તે જોવુ રહ્યું
સરકાર મુજબ, ૮મા પગારપંચમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર ધોરણ, ભથ્થુ, પેન્શન માળખું અને સેવા શરતોની સમીક્ષા કરાશે. નાણાં રાજ્યમંત્રી પંજક ચૌધરીએ જણાવ્યું હતું કે, કમિશનને તેનો રિપોર્ટ રજૂ કરવા માટે ૧૮ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. વર્તમાન સમયરેખાને જાેતાં રિપોર્ટ ૨૦૨૭ સુધીમાં આવવાની સંભાવના છે.
સરકારે હજુ સુધી ભલામણોના અમલીકરણ માટેનો રોડમેપ જાહેર કર્યો નથી કે તબક્કાવાર યોજના વિકસાવવામાં આવી છે કે નહીં. સંસદમાં એ સવાલ પણ ઉઠ્યો હતો કે, ૮મા પગારપંચની ભલામણ લાગુ થવાથી કેન્દ્ર સરકારના બજેટ પર કેટલું બોજ પડશે.
આ મામલે સરકારે કહ્યું કે, હાલના ધોરણે કિંમતનું આકલન કરવું શક્ય નથી. કમિશનની ભલામણ અને સરકાર દ્વારા તેનો સ્વીકાર કર્યા બાદ તેમાં વાસ્તવિક નાણાકીય પ્રભાવનો અંદાજ લગાવી શકાશે. એનો મતલબ છે કે, બજેટની યોજના કમિશનના અંતિમ રિપોર્ટ બાદ તૈયાર કરાશે. આ દરમિયાન, કર્મચારી સંગઠનોએ સરકાર પર દબાણ વધારવાનું શરૂ કર્યું છે..