Last Updated on by Sampurna Samachar
બોઈંગ ૭૮૭ના વધુ એક વિમાનમાં ખામી સર્જાવા પામી
પાયલટે MAYDAY કોલ આપતાં પેસેન્જર્સમાં ખળભળાટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ બોઇંગના અનેક વિમાનોમાં ખામી જોવા મળી છે. છેલ્લા કેટલાક મહિનામાં બોઇંગના વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ, એન્જિનમાં ખામી સહિતની સમસ્યાઓ ચર્ચાનો વિષય બની છે. અમદાવાદમાં ક્રેશ થયેલું બોઇંગનું ૭૮૭-૮ ડ્રીમલાઇનરનું અન્ય એક મોડલ અમેરિકામાં પણ ક્રેશ થતાં થતાં બચી ગયું છે.

મ્યુનિક સ્થિત યુનાઇટેડ એરલાઇન્સની બોઇંગ ૭૮૭-૮ ડ્રિમલાઇનર ફ્લાઇટ UA ૧૦૮ ૨૫ જુલાઈએ ટેકઓફ થયા બાદ ટૂંક સમયમાં જ વોશિંગ્ટન ડલાસ ઍરપોર્ટ પર પરત ફરવું પડ્યું હતું. જેમાં એન્જિન ફેઈલ થતાં પાયલટે MAYDAY કોલ આપતાં પેસેન્જર્સમાં ખળભળાટ મચ્યો હતો. મ્યુનિક જઈ રહેલી આ ફ્લાઇટ હવામાં ૫૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચ્યા બાદ તેના એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જેના લીધે ક્રૂએ ઈમરજન્સી જાહેરાત કરી હતી. એર ટ્રાફિક કંટ્રોલર્સને ઘટનાની જાણકારી આપ્યા બાદ પાયલટે MAYDAY કોલ આપ્યો હતો. જોકે, ફ્લાઇટનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું.
વોશિંગ્ટન ડલાસ ઍરપોર્ટ પર પરત ફર્યું હતું
મીડિયા રિપોર્ટ અનુસાર, ફ્લાઇટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવા પાયલટે સમય સૂચકતા વાપરી ફ્યુલ ખાલી કરવા વોશિંગ્ટનના ઉત્તર-પશ્ચિમમાં જ અનેક ચક્કરો લગાવ્યા હતા. પ્લેનનું વજન મેનેજ કરવા પાયલટે ૬૦૦૦ ફૂટની ઊંચાઈએ હવામાં પ્લેન રાખ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલર્સ એરક્રાફ્ટને સતત સૂચનો આપી રહ્યા હતા. તેમજ સુરક્ષિતપણે ફ્યુલનું ડમ્પિંગ કરવા મંજૂરી આપી હતી.
ફ્યુલ ખાલી કરવા હવામાં જ ચક્કર લગાવવા તેમજ હોલ્ડ કરવા આદેશ આપ્યો હતો. ફ્યુલ ડમ્પિંગ પૂર્ણ થયા બાદ પ્લેન સુરક્ષિતપણે વોશિંગ્ટન ડલાસ ઍરપોર્ટ પર પરત ફર્યું હતું. ફ્યુલ ડમ્પ થયા બાદ બંને પાયલટે ઈન્સ્ટ્રૂમેન્ટ લેન્ડિંગ સિસ્ટમનો ઉપયોગ કરી રનવે ૧૯ સેન્ટર પર ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી માગી હતી. સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ એન્જિન ફેઇલ થઈ જતાં પ્લેન હલન-ચલન કરી શકતું ન હતું. પેસેન્જર્સને સુરક્ષિત ઉતાર્યા બાદ તેને રનવે પર ટો કરીને લઈ જવામાં આવ્યું હતું.