Last Updated on by Sampurna Samachar
રજત પાટીદારે કોહલીને નહીં, પરંતુ જેકબ ડફીને મેચનો હીરો ગણાવ્યો
ડફીએ તેના ડેબ્યૂમાં ત્રણ વિકેટ લીધી, જેનાથી હૈદરાબાદની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL 2026 સીઝનની શરૂઆતની મેચમાં ઇઝ્રમ્એ આસાનીથી જીત મેળવી. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે RCBએ માત્ર ૧૫.૪ ઓવરમાં ૨૦૦ થી વધુ રનનો ટાર્ગેટ હાંસલ કર્યો. જે IPL ઇતિહાસમાં આટલા ઝડપી સ્કોરનો સૌથી સફળ ચેઝ હતો. આ જીત બાદ રજત પાટીદારે વિરાટ કોહલીને નહીં, પરંતુ જેકબ ડફીને મેચનો હીરો ગણાવ્યો. ડફીએ તેના ડેબ્યૂમાં ત્રણ વિકેટ લીધી, જેનાથી હૈદરાબાદની બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી.

હકીકતમાં જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ પ્રથમ બેટિંગ કરવા ઉતરી, ત્યારે જેકબ ડફીએ અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ અને નીતિશ કુમાર રેડ્ડીને ઓછા સ્કોર પર આઉટ કર્યા હતા. ટીમનો સ્કોર ૨૯ રન સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં હૈદરાબાદ પહેલાથી જ ત્રણ વિકેટ ગુમાવી ચૂક્યું હતું અને તે ત્રણેય વિકેટ ડેબ્યૂ કરનાર જેકબ ડફીની હતી. જીત બાદ રજત પાટીદારે કહ્યું કે, બધા ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું તે ખરેખર આનંદદાયક હતું.
વિરાટ કોહલી વિશે કરી ખાસ વાત
દરેક ખેલાડીએ મૂલ્યવાન યોગદાન આપ્યું. ડફીએ પહેલી મેચ જે રીતે રમી અને તેણે પોતાની બોલિંગથી જે રીતે વિકેટો લીધી તે ખરેખર પ્રભાવશાળી હતી. તે વિકેટ લેવાનું અમારા માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું.
આ દરમિયાન, વિરાટ કોહલી વિશે ખાસ વાત કરતા, રજત પાટીદારે કહ્યું કે, મારી પાસે તેમનું વર્ણન કરવા માટે કોઈ શબ્દો નથી. તેમણે અને દેવદત્તે જે રીતે પોતાની ઇનિંગ્સ રમી તેનાથી અમારી જીતનો પાયો નાખ્યો. આપણે ફક્ત આ જ કરતા રહેવાની જરૂર છે. હું ઇચ્છું છું કે તે જ્યારે પણ અમે ચેઝ કરી રહ્યા હોઈએ ત્યારે જે રીતે મેદાનમાં ઉતરે છે અને છેક સુધી ક્રીઝ પર રહેવું એ અમારા માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળ હતું.
૨૦૨ રનનો પીછો કરતા વિરાટ કોહલીએ RCB માટે ૩૮ બોલમાં અણનમ ૬૯ રન બનાવ્યા, જેમાં પાંચ ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે, જ્યારે દેવદત્ત પડિકલે ૨૬ બોલમાં સાત ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે ૬૧ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી. પરિણામે આરામથી ટાર્ગેટ પ્રાપ્ત કર્યું, ૧૫.૪ ઓવરમાં માત્ર ચાર વિકેટ ગુમાવીને ૨૦૩ રન બનાવ્યા.