Last Updated on by Sampurna Samachar
ભાવુક સંદેશ લખીને કરી મોટી જાહેરાત
દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા હતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૭ વર્ષ સુધી રાહ જોયા પછી ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫નો ખિતાબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પોતાના નામે કર્યો હતો. અમદાવાદમાં ૩ જૂને પંજાબ કિંગ્સને હરાવીને RCB ચેમ્પિયન બન્યું હતું. જેથી બેંગલુરુમાં ઉત્સાહનો માહોલ હતો, પરંતુ આ ઉજવણી જલદી જ માતમમાં ફેરવાઈ ગઈ, જ્યારે ૪ જૂનના રોજ RCB ની વિક્ટ્રી પરેડ દરમિયાન નાસભાગ મચી ગઈ.
આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા હતા, જ્યારે ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ મામલે RCB એ ૩ મહિના બાદ પોતાનું મૌન તોડ્યું છે અને સોશિયલ મીડિયા પર એક ભાવુક પોસ્ટ લખી છે. તેમાં લખ્યું કે, ૩ જૂને અમને ઘણી ખુશી આપી, પરંતુ ૪ જૂને બધું જ બદલાવી નાખ્યું.
આ મૌન ગેરહાજરી નહીં, પરંતુ શોકની અભિવ્યક્તિ હતી
RCB એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેઓએ લખ્યું કે, “પ્રિય મેન આર્મી, તમારા માટે આ અમારો દિલથી લખેલો પત્ર છે. આશરે ૩ મહિના થઈ ગયા, જ્યારે અમે અહીં છેલ્લીવાર કંઈ શેર કર્યું હતું. આ મૌન ગેરહાજરી નહીં, પરંતુ શોકની અભિવ્યક્તિ હતી.
આ જગ્યા ક્યારેક ઊર્જા, સ્મરણો અને એવી ક્ષણોથી ભરેલી હતી, જેને તમે બધા ખૂબ પસંદ કરતા હતા. પરંતુ ૪ જૂને બધું જ બદલાવી નાખ્યું. એ દિવસે આપણા દિલ તોડ્યા અને ત્યાર પછીનું મૌન અમારા શોકની રીત બની ગઈ. એ મૌનમાં અમે શોક મનાવી રહ્યાં હતા. અને ધીમે ધીમે અમે માત્ર પ્રતિક્રિયાથી આગળ વધીને કંઈક નવું બનાવવાની શરૂઆત કરી, કંઈક એવું જેના પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે.”
RCB એ આગળ લખ્યું કે, “અહીંથી RCB Cares ની શરૂઆત થઈ. આ અમારા ફેન્સને સન્માન આપવા, તેને સંભાળવા અને તેની સાથે ઊભા રહેવાની જરૂરિયાતથી સર્જાયું છે. એક એવો મંચ, જેને અમારી કોમ્યુનિટી અને ફેન્સે મળીને આકાર આપ્યો. આજે અમે આ જગ્યાએ પાછા આવ્યાં છીએ, ઉજવણી કરવા નહીં, પરંતુ સારસંભાળ માટે.
શેર કરવા માટે, તમારી સાથે ઊભા રહેવા માટે. સાથે મળીને આગળ વધવા માટે અને કર્ણાટકનું ગર્વ બની રહેવા માટે.” ૩ જૂને અમદાવાદમાં પંજાબ કિંગ્સને હરાવ્યાં પછી RCB એ ૧૭ વર્ષ પછી IPL નો ખિતાબ જીત્યો હતો. તેના પછીના દિવસે ૪ જૂને RCB ટીમ પોતાના શહેર બેંગલુરુમાં પરત ફરે છે.
આ દરમિયાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિક્ટ્રી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે જ સ્ટેડિયમ બહાર લોકોની ભીડ વધવાથી નાસભાગ થઈ ગઈ. આ દુર્ઘટનામાં ૧૧ લોકોના મોત થયા, જ્યારે ૫૦ લોકો ઘાયલ થયા હતા. આ મામલે કર્ણાટક સરકારે જુલાઈમાં RCB સામે ટ્રાયલ ચલાવવાની મંજૂરી આપી હતી.