Last Updated on by Sampurna Samachar
‘ RCB CARES’ નામથી એક વિશેષ ફંડ શરૂ કરાશે
નાસભાગમાં ૧૧ લોકોના મોત તો ૩૦ જેટલાં લોકો ઘાયલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
IPL -૨૦૨૫ માં ચેમ્પિયન બનેલી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુની જીત માટે બેંગલુરુના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઉજવણીનું આયોજન કરાયું હતું, જેમાં નાસભાગની ઘટના બનતા ૧૧ લોકોના મોત અને ૩૩ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. ત્યારે આ ઘટના મામલે RCB એ દુ:ખ વ્યક્ત કરવાની સાથે મૃતકોના પરિવારજનોને આર્થિક સહાય આપવાની મોટી જાહેરાત કરી છે.
રૉયલ ચેલેન્જર બેંગલુરુના ફ્રેન્ચાઈઝીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘બેંગલુરુ (Bangalore) ની નાસભાગની ઘટનામાં મૃત્યુ પામેલાઓ પરિવારજનોને ૧૦-૧૦ લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદ કરવા માટે ‘ RCB CARES’ નામથી એક વિશેષ ફંડ શરૂ કરાશે.’ RCB એ એમ પણ કહ્યું છે કે, ‘અમારા ચાહકો હંમેશા અમારા દિલની નજીક છે. આ દુ:ખ સમયમાં આપણે એક છીએ અને અમે સંપૂર્ણ સંવેદના અને સમર્થન સાથે પીડિતો સાથે ઉભા છીએ.’
૩૫ હજારની ક્ષમતાના સ્ટેડિયમમા લાખો લોકો ઘુસ્યા
ઉલ્લેખનીય છે કે, બેંગલુરના સ્ટેડિયમમાં નાસભાગની ઘટનામાં ૧૧ લોકોના મોત અને ૩૩ લોકોને ઈજા થઈ હતી. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, સ્ટેડિયમમાં ૩૫ હજારની ક્ષમતા હતી, પરંતુ બહાર ત્રણ લાખથી વધુ લોકો આવ્યા હતા. ત્યારે આ મામલે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે, સ્ટેડિયમ અને તેની આસપાસ કાયદો અને વ્યવસ્થાની દેખરેખ રાખવા માટે શહેરના પોલીસ કમિશનર, DCP અને SP સહિત ૧૦૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત હતા. જ્યારે એક દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી ડી.કે.શિવકુમારે દાવો કર્યો હતો કે, ભીડને નિયંત્રણમાં રાખવા માટે ૫૦૦૦ પોલીસ કર્મચારીઓ હાજર હતા.
૧૮ વર્ષ સુધી લાંબી રાહ જોયા બાદ IPL ટ્રોફી અને શહેર આખામાં જશ્નની તૈયારી હતી, પણ RCB ની ઐતિહાસિક જીતનો આ જશ્ન માતમમાં ફેરવાઈ ગયો. જ્યારે ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર ભીડ બેકાબૂ થઈ ગઈ અને ભાગદોડમાં ૧૧ લોકોનાં મોત થઈ ગયાં. જ્યારે ૨૭થી વધારે લોકો ઘાયલ થઈ ગયા.
પ્રશાસનને જ્યાં ૨ લાખ લોકોની ભીડનું અનુમાન હતું, ત્યાં લગભગ ૬ લાખ લોકો મેદાન બહાર એકઠા થઈ ગયા. સ્થિતિ એવી થઈ કે ૩૨૦૦૦ ની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં લગભગ ૧ લાખ લોકો જેમ તેમ કરીને ઘૂસી ગયા. સ્ટેડિયમમાં પ્રવેશ માટે કેટલાય ગેટ હતા, પણ અફરાતફરી ફક્ત ત્યારે મચી ગઈ, જ્યારે ભીડનું પ્રેશર એક જ ગેટ પર આવી ગયું. પોલીસ અને સ્ટેડિયમ પ્રશાસને તરત લોકોને રોકવાની કોશિશ કરી, પણ લોકોએ કોઈની વાત સાંભળી નહીં.
કેટલાય તો દીવાલ કૂદીને અંદર ઘૂસતા દેખાયા. એક અધિકારીએ જણાવ્યું કે, “લોકો કોઈ પણ કિંમતે અંદર જવા માંગતા હતા. તેમણે દરવાજો પણ ન જોયો, બસ આગળ વધતા રહ્યા.” સ્થાનિક લોકોએ કહ્યું કે, “ત્યાર બાદ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જેના કારણે અફરાતફરી મચી ગઈ.”બહારનો માહોલ એકદમ જશ્ન જેવો હતો, લાખો લોકો ઢોલ નગારા પર નાચી રહ્યા હતા.
ફટાકડા ફોડતા હતા અને વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ જેવા ખેલાડીઓના કટઆઉટ પર માળા ચડાવી રહ્યા હતા. પણ જેવી ભીડ વધી અને બેકાબૂ થઈ કે ખુશીઓ ચીસોમાં બદલાઈ ગઈ. પોલીસની ચેતવણી અને બેરિકેડ્સને પાર કરતા લોકો સ્ટેડિયમ તરફ તૂટી પડ્યા. આ દુર્ઘટનામાં કેટલાય લોકો ઘાયલ પણ થયા હતા.