હોમ લોનના EMI પર કોઈ ફેર નહીં પડે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા રેપો રેટ અંગે મોટો ર્નિણય લીધો છે. હાલમાં RBI નો રેપો રેટ ૬.૫૦ ટકા પર યથાવત્ હતો. જેમાં હવે કોઈ ફેરફાર ન કરતાં ૪: ૨ના બહુમતથી રેપો રેટને ફરી એકવાર ૬.૫૦ ટકા પર યથાવત્ રાખવાનો ર્નિણય લેવાયો હતો. જેનાથી કહી શકાય કે તમારા હોમ લોનના EMI પર કોઈ ફેર નહીં પડે. કોઈ રાહત પણ નહીં મળે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ એવી આશા રાખીને બેઠા હતા કે RBI મોનિટરી પોલિસી કમિટીની બેઠકમાં રાહત આપી શકે છે. બીજી બાજુ ઉલ્લેખનીય છે કે RBI ના ગવર્નર શક્તિકાંત દાસ મોનેટરી પોલિસી બેઠકનું નેતૃત્વ છેલ્લી વખત કરી રહ્યા છે. તેમનો કાર્યકાળ ૧૦ ડિસેમ્બરે ખતમ થઇ રહ્યો છે. આ વખતે ચર્ચા છે કે તેમનો કાર્યકાળ આગળ વધારવામાં આવી શકે છે.
મોનેટરી પોલિસી કમિટીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં મજબૂત GDP ગ્રોથ જાળવી રાખવાના ઉદ્દેશ સાથે કેશ રિઝર્વ રેશિયોમાં ૫૦ બેઝિસ પોઈન્ટ (૦.૫૦ ટકા)નો ઘટાડો કર્યો છે. ઈકરાના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યં હતું કે, ‘ડિસેમ્બર, ૨૦૨૪માં સીપીઆઈ ફુગાવો ૫ ટકાના દરમાં કે તેનાથી ઓછો નોંધાય તો ફેબ્રુઆરી, ૨૦૨૫માં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. RBI ફુગાવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વૈશ્વિક સ્તરે માગ નબળી પડી છે, દેશનો GDP ગ્રોથ પણ ઘટ્યો છે. જે દેશના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.’
કેશ રિઝર્વ રેશિયો ઘટાડી ૪ ટકા કરવામાં આવતાં દેશની નાણાકીય સિસ્ટમાં રૂ. ૧.૦૬ લાખ કરોડની લિક્વિડિટી ઉેમરાવાનો આશાવાદ માર્કેટ નિષ્ણાતે આપ્યો છે. જે પ્રોજેક્ટ ફંડિંગ અને ગ્રોથને વેગ આપશે. મોટાભાગની બેન્કોના ટ્રેઝરી બોન્ડ પોર્ટફોલિયોનો નફો વધશે. તેમજ વપરાશમાં વધારો થતાં અર્થતંત્રને ટેકો મળશે.
RBI એ વર્તમાન ફુગાવા અને GDP ના આંકડાને ધ્યાનમાં લેતાાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે જીડીપી ગ્રોથ અંદાજ ૭.૨ ટકાથી ઘટાડી ૬.૬ ટકા કર્યો છે. ફુગાવાનો અંદાજ પણ ૪.૫ ટકાથી ઘટાટડી ૪.૮ ટકા રહેવાનો અંદાજ આપ્યો છે.
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર કોઈ રાષ્ટ્રની કેન્દ્રીય બેંક ભંડોળની અછતની સ્થિતિમાં વ્યવસાયિક બેંકોને નાણાં ધીરાણ આપે છે. નાણાંકીય અધિકારીઓ ફુગાવાને મેનેજ કરવા માટે રેપો દરનો ઉપયોગ કરે છે. રિપર્ચેઝ ડીલ અથવા વિકલ્પને ‘રેપો’ તરીકે ઓળખવામાં આવે છે.” RBI નાણાંકીય મુશ્કેલી દરમિયાન વ્યવસાયિક બેંકોને મદદ કરવા માટે એક નાણાંકીય સાધનનો ઉપયોગ કરે છે. લોન કોલેટરલ જેમ કે ટ્રેઝરી બિલ અથવા સરકારી બોન્ડ સામે જારી કરવામાં આવે છે. રેપો રેટની વ્યાખ્યા દ્વારા, આ લોન પર લાગુ વ્યાજ દરને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી, વ્યવસાયિક બેંકો ઋણની ચુકવણી કર્યા પછી જામીનની રકમ પરત ખરીદી શકે છે.
RBI નીતિઓ દ્વારા વ્યાજ દરને અંતિમ રૂપ આપે છે. આ દરો દેશની વર્તમાન આર્થિક સ્થિતિ મુજબ સેટ કરવામાં આવે છે. ગવર્નર રેપો રેટને અંતિમ રૂપ આપવા માટે નાણાંકીય નીતિ પરિષદની અધ્યક્ષતા કરે છે. આ ઇન્ફ્લેશન ટ્રેન્ડને નિયંત્રિત કરવા અને માર્કેટ લિક્વિડિટી જાળવવામાં આરબીઆઈ માટે એક મુખ્ય સાધન છે. રેપો દર અને ફુગાવાને વ્યસ્ત રીતે સંબંધિત છે, કારણ કે જ્યારે રેપો દર વધે છે, ફુગાવાને ઘટાડે છે અને તેનાથી વિપરીત છે. તે હોમ લોન, પર્સનલ લોન અને બેંક ડિપોઝિટ દરોના વ્યાજ દરોને પણ અસર કરે છે.