Last Updated on by Sampurna Samachar
સાયબર ગુનાઓ વધતાં RBI દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઓનલાઈન છેતરપિંડી અને સાઈબર ગુનાઓને રોકવા માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેના દ્વારા લોકો ફેક નંબરો પરથી આવતા કોલને ઓળખી શકે. રિઝર્વ બેંકે માર્કેટિંગ અને બેંકિંગ માટે બે નવી શ્રેણીના કોલની જાહેરાત કરી છે. આ બે નંબરો પરથી જ મોબાઈલ નંબર પર માર્કેટિંગ અને બેંકિંગ કોલ આવશે. આ બે સીરીઝ સિવાય અન્ય કોઈપણ નંબર પરથી આવતા કોલ ફેક હશે.

RBI એ તેની માર્ગદર્શિકામાં કહ્યું છે કે બેંકોએ ગ્રાહકોને ટ્રાન્ઝેક્શન સંબંધિત કોલ કરવા માટે ફક્ત ૧૬૦૦ થી શરૂ થતી શ્રેણીનો ઉપયોગ કરવો પડશે. બેંકો ગ્રાહકોને કૉલ કરવા માટે આ શ્રેણી સિવાયની કોઈપણ નંબર શ્રેણીનો ઉપયોગ કરી શકશે નહીં. આ સિવાય હોમ લોન, પર્સનલ લોન, કાર લોન, ક્રેડિટ કાર્ડ, ઇન્શ્યોરન્સ, ટર્મ ડિપોઝિટ જેવી સેવાઓ માટે બેંક દ્વારા પ્રમોશનલ કોલ કરવામાં આવે છે. બેંકો આ સેવાઓ માટે ગ્રાહકોને માત્ર ૧૪૦ થી શરૂ થતી સિરીઝમાં જ પ્રમોશનલ કોલ કરી શકે છે. આ માટે, બેંકો અને સેવાઓનો પ્રચાર કરતી કંપનીઓએ ટેલિકોમ ઓપરેટરો સાથે વ્હાઇટલિસ્ટમાં પોતાને રજીસ્ટર કરાવવું પડશે.
RBI એ તેની માર્ગદર્શિકામાં જણાવ્યા પ્રમાણે આ દિવસોમાં સાયબર ગુનેગારો છેતરપિંડી માટે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ મોબાઈલ નંબર દ્વારા કોલ અને મેસેજ કરીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. તાજેતરમાં, આવા ઘણા અહેવાલો પ્રકાશમાં આવ્યા છે જેમાં બેંકોના નામે ફોન કરીને અને મેસેજ મોકલીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સએ તેના સત્તાવાર x હેન્ડલ દ્વારા ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકા વિશે વપરાશકર્તાઓને જાણ કરી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની આ માર્ગદર્શિકાથી તે કરોડો મોબાઈલ યુઝર્સને ફાયદો થશે જેઓ અલગ-અલગ નંબરો પરથી બેંકિંગ સેવાઓ સંબંધિત કોલ મેળવે છે. યુઝર્સ માત્ર ૧૬૦૦ અને ૧૪૦ નંબર પરથી આવતા કોલ્સમાંથી જ રિયલ અને ફેક કોલની ઓળખ કરી શકે છે.