Last Updated on by Sampurna Samachar
નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી તરીકે બજાવે છે ફરજ
૧૧ ડિસેમ્બરે સંભાળશે પદભાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નવા ગવર્નર પદે રેવેન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રાની નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની કમિટી દ્વારા મલ્હોત્રાની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૪થી તેઓ આગામી ત્રણ વર્ષ માટે કાર્યભાર સંભાળશે.
RBI ના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. અગાઉ શક્તિકાંત દાસનો કાર્યકાળ લંબાવવાના અહેવાલો મળ્યા હતા. પરંતુ કેબિનેટની કમિટીમાં સંપૂર્ણ બહુમતિ સાથે સંજય મલ્હોત્રાને આ પદભાર સોંપવા ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યારે RBI ના નવા ગવર્નર તરીકે, મલ્હોત્રાએ ફુગાવાને નિયંત્રિત કરવા અને સ્થિર આર્થિક વૃદ્ધિ સુનિશ્ચિત કરતાં બેવડા પડકારનો સામનો કરવો પડશે. આગામી ત્રણ વર્ષીય કાર્યકાળમાં રાજકોષિય નીતિ નિર્માણ, કર વહીવટ અને નાણાકીય સેવાઓમાં તેમનો અનુભવ વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતની નાણાકીય નીતિઓને આકાર આપે તેવી અપેક્ષા છે.
નાણા મંત્રાલયમાં રેવેન્યુ સેક્રેટરી તરીકે હાલ ફરજ બજાવતા સંજય મલ્હોત્રા પાસે નાણાં, ટેક્સ, પાવર, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી અને માઈનિંગ ક્ષેત્રોમાં બહોળો ૩૩ વર્ષનો અનુભવ છે. IIT કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ મલ્હોત્રાએ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી પબ્લિક પોલિસીમાં માસ્ટર ડિગ્રી હાંસલ કરી હતી. તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ ક્ષેત્રોમાં પોલિસી ઘડવા સાથે મહત્ત્વની ભૂમિકા ભજવી છે.