Last Updated on by Sampurna Samachar
મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર
એક્સપોર્ટ્સ માટે એક રાહત પેકેજનું એલાન કરી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
આ વર્ષના અંત સુધીમાં અમેરિકા દ્વારા ૫૦% ટેરિફ લાગુ રહેવાની સ્થિતિમાં ભારતીય રિઝર્વ બૅંક ડિસેમ્બરમાં યોજાનારી મોનિટરી પોલિસીમાં ગુડ ન્યૂઝ આપી શકે છે. અહેવાલ પ્રમાણે કેન્દ્રીય બૅંક ડિસેમ્બરમાં પોલિસી રેટમાં ૨૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે. આ ઘટાડા બાદ રેપો રેટ ઘટીને ૫.૨૫% થઈ જશે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ફુગાવો વર્ષોના પોતાના સૌથી નીચા સ્તરે આવી ગયો છે, જેના કારણે RBI ને મોનિટરી પોલિસીમાં ઢીલ આપવાનો વધુ અવકાશ મળી ગયો છે. HSBC દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા પ્રમાણે સરકાર ઈકોનોમિક ગ્રોથને વેગ આપવા માટે નવા આર્થિક સુધારાની સાથે-સાથે તેમજ એક્સપોર્ટ્સ માટે એક રાહત પેકેજનું એલાન કરી શકે છે.
ઑક્ટોબરમાં ફુગાવો ૧%થી નીચે આવવાની શક્યતા
સપ્ટેમ્બરમાં ગ્રાહક ભાવ સૂચકાંક ફુગાવો વાર્ષિક ધોરણે ૧.૫ ટકા હતો, જે જૂન ૨૦૧૭ પછીનો સૌથી નીચો છે, કારણ કે ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. GST રિફોર્મ્સને ફુગાવાનું એક કારણ ગણાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ અહેવાલ પ્રમાણે ફુગાવામાં ઘટાડો મુખ્યત્વે શાકભાજીના ભાવમાં ઘટાડો, અનાજનું સારું ઉત્પાદન અને પૂરતા પ્રમાણમાં ખાદ્ય સંગ્રહને કારણે થયો હતો. ખાદ્ય પદાર્થોના ભાવમાં વાર્ષિક અને ક્રમિક બંને રીતે ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટમાં ભારે વરસાદને કારણે શાકભાજીના ભાવમાં વધારો થયા પછી, ભાવમાં ફરી ઘટાડો નોંધાયો છે.
અનાજ અને કઠોળના ભાવમાં પણ માસિક ઘટાડો જાેવા મળ્યો, જેનાથી એકંદર ફુગાવાના દબાણમાં ઘટાડો થયો છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સરેરાશ મોંઘવારી ૧.૭% હતી, જે આરબીઆઇના ૧.૮%ના અંદાજ કરતાં થોડી ઓછી છે.
જાેકે, સોનાના ભાવમાં અતિશય વધારાના કારણે હેડલાઇન CPI ઊંચી બની રહી, જે સપ્ટેમ્બરમાં વાર્ષિક ધોરણે લગભગ ૪૭% વધી હતી. હેડલાઇન CPI માં સોનાનું જ યોગદાન આશરે ૫૦ બેસિસ પોઇન્ટનું હતું.
HSBC એ જણાવ્યું કે, કોર ફુગાવાના તેના પસંદગીના માપદંડ ત્રિમાસિક ગાળા દરમિયાન ૩.૨% પર સ્થિર રહ્યું, જેમાં ખોરાક, ઊર્જા, રહેઠાણ અને સોનાનો સમાવેશ નથી. અહેવાલમાં જણાવાયું છે કે, ઑક્ટોબરમાં ફુગાવો ૧%થી નીચે આવવાની શક્યતા છે, અને મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં શાકભાજીના ભાવમાં ૩થી ૫ ટકા ઘટડો થશે. તેલના નીચા ભાવ અને ચીનથી સસ્તી નિકાસથી પણ આગામી મહિનાઓમાં મોંઘવારી પર નિયંત્રણ રહેવાની આશા છે.