ઝેલેંસ્કીની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવી શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સત્તામાં એન્ટ્રી બાદ ગત ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધમાં નવો વળાંક આવતો નજર આવી રહ્યો છે. રશિયાએ આ યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. ક્રેમલિને કહ્યું છે કે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન જરૂર પડ્યા પર વોલોડિમિર ઝેલેંસ્કી સાથે વાત કરવા માટે તૈયાર છે. જોકે આ દરમિયાન રશિયાએ યુક્રેન પ્રમુખ તરીકે ઝેલેંસ્કીની કાયદેસરતા પર પણ સવાલ ઊભા કર્યા છે. સુરક્ષાના વ્યાપક મુદ્દે વાત કર્યાં વિના યુક્રેન યુદ્ધનો કોઈ ઉકેલ નીકળી શકશે નહીં.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું, પુતિને પોતે કહ્યું છે કે જરૂર પડી તો તે ઝેંલેસ્કીની સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. જોકે કરારના કાયદેસર આધાર પર ચર્ચાની જરૂર છે કેમ કે હકીકત એ છે કે ઝેલેંસ્કીની કાયદેસરતા પર સવાલ ઉઠાવવામાં આવી શકે છે.
રાષ્ટ્રપતિના રૂપમાં ઝેલેંસ્કીનો પાંચ વર્ષનો કાર્યકાળ ગયા વર્ષે ખતમ થઈ ગયો હતો. જોકે યુક્રેની કાયદા અનુસાર માર્શલ લો લાગુ રહેતા રાષ્ટ્રપતિ ચૂંટણી આયોજિત કરાવવાની જરૂર હોતી નથી. રશિયાએ ઘણા અવસરે આની પર સવાલ ઉઠાવ્યા છે અને એટલે સુધી કહ્યું છે કે રશિયા તેમને કાયદેસરના રાષ્ટ્રપતિ તરીકે જોતું નથી.
આ દરમિયાન રશિયાએ એ પણ કહ્યું કે રશિયા યુક્રેનને યુરોપીય સંઘમાં સામેલ થવાથી રોકશે નહીં. અમે યુક્રેનનો નાટોનો ભાગ બનવાનો વિરોધ કરતા રહીશું. યુક્રેનના યુરોપીય સંઘમાં સામેલ થવાના સંબંધમાં રશિયાને કોઈ વાંધો નથી. આ કોઈ પણ દેશનો સાર્વભૌમ અધિકાર છે. કોઈ પણ બીજા દેશને આદેશ આપી શકતાં નથી અને અમે આદેશ આપવાનું આયોજન બનાવી રહ્યાં નથી પરંતુ જ્યારે સુરક્ષાનો મુદ્દો અને સૈન્ય ગઠબંધનોની વાત આવે છે તો એ સંપૂર્ણ રીતે અલગ છે. અહીં અમારો એક અલગ દ્રષ્ટિકોણ છે જે સામે છે.
આ પહેલા અમેરિકા અને રશિયાના અધિકારીઓએ સાઉદી અરેબિયામાં એક હાઈ પ્રોફાઈલ મીટિંગ કરી છે. આ બેઠકમાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને ખતમ કરવા અને સંબંધોને સારા બનાવવા માટે વાતચીત શરૂ કરવામાં આવી છે. રિયાધના દિરિયાહ પેલેસમાં થયેલી આ બેઠક ટ્રમ્પ તંત્ર દ્વારા રશિયાને અલગ કરવાની અમેરિકન નીતિને બદલવાની દિશામાં વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. તેનો હેતું અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની વચ્ચે વાતચીતનો માર્ગ બનાવવાનો પણ છે. જોકે યુક્રેનના અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો નથી. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેંસ્કીએ કહ્યું છે કે જો યુક્રેન કોઈ ચર્ચામાં ભાગ નહીં લે તો વાતચીતનું કોઈ પણ પરિણામ અમને સ્વીકાર હશે નહીં.