Last Updated on by Sampurna Samachar
રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો
અફઘાનિસ્તાને UAE ને હરાવીને પોતાની પહેલી જીત નોંધાવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ICC T20 વર્લ્ડ કપ ૨૦૨૬ ની ૨૮ મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે UAE અને અફઘાનિસ્તાન વચ્ચે રમાઈ હતી. અફઘાનિસ્તાને આ મેચ ૫ વિકેટથી જીતી લીધી હતી. ફરી એકવાર અફઘાનિસ્તાન અંતિમ ઓવરમાં મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. જોકે, આ વખતે અફઘાનિસ્તાને કોઈ ભૂલ કરી નહોતી. આ મેચમાં અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

અફઘાનિસ્તાનનો અનુભવી ઓલરાઉન્ડર રાશિદ ખાન T20 ફોર્મેટમાં ૭૦૦ વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. આજ સુધી કોઈ અન્ય ખેલાડી આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી અને કોઈ તેની નજીક પણ નથી. T20 માં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર વેસ્ટ ઈન્ડિઝનો ડ્વેન બ્રાવો છે, જેણે ૬૩૧ વિકેટ લીધી છે. રાશિદ ખાને ૫૧૮ T20 માં ૭૦૦ વિકેટ લીધી છે. તેણે UAE સામે એક જ વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી હતી. રાશિદ ખાને મોહમ્મદ અરફાનને આઉટ કર્યો હતો.
T20 ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ૫ બોલરો
રાશિદ ખાન – ૭૦૦ વિકેટ, ૫૧૮ મેચ
ડ્વેન બ્રાવો – ૬૩૧ વિકેટ, ૫૮૨ મેચ
સુનીલ નારાયણ – ૬૧૩ વિકેટ, ૫૮૩ મેચ
ઇમરાન તાહિર – ૫૭૨ વિકેટ, ૪૪૮ મેચ
આન્દ્રે રસેલ – ૫૦૮ વિકેટ, ૫૯૦ મેચ
અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો ર્નિણય લીધો. પ્રથમ બેટિંગ કરતા યુએઈએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટે ૧૬૦ રન બનાવ્યા. યુએઈ તરફથી સોહેબ ખાને સૌથી વધુ ૬૮ રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ૪ વિકેટ લીધી. અફઘાનિસ્તાને ૧૬૧ રનનો ટાર્ગેટ ૧૯.૨ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો. અફઘાનિસ્તાન તરફથી ઇબ્રાહિમ ઝદરાને સૌથી વધુ ૫૩ રન બનાવ્યા. અઝમતુલ્લાહ ઉમરઝાઈએ ૪૦ રનની ઇનિંગ રમી. દરવિશ રસૂલીએ પણ ૩૩ રન બનાવ્યા. UAE તરફથી જુનૈદ સિદ્દીકી અને મોહમ્મદ અરફાને ૨-૨ વિકેટ લીધી.