Last Updated on by Sampurna Samachar
પોલીસ દ્વારા શિક્ષિકા સામે ફરિયાદ દાખલ કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
કચ્છ જિલ્લાના રાપર તાલુકાનાં ભીમાસર ગામે થોડા દિવસ અગાઉ એક સગીરાએ કરેલા આપઘાત પાછળ શાળાના શિક્ષિકાની હેરાનગતિ કારણભૂત હોવાનું બાળકીના અભ્યાસના પુસ્તકોમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટ ઉપરથી ખુલાસો થતાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ભીમાસર ગામમાં રહેતી અને ઉચ્ચ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી સગીરાએ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પરિવારજનો દ્વારા તેની અંતિમ વિધિ કરીને દફનાવાઇ હતી. ત્યારબાદ તેનો સામાન ચેક કરતી વેળાએ એક બુકમાં સગીરા દ્વારા આપઘાત કરતા પૂર્વે લખાયેલી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં સગીરાએ પોતે આ પગલું શાળાની શિક્ષિકા જિજ્ઞાસાબેન દ્વારા હાથ ઉપાડીને વારંવાર માનસિક ત્રાસ અપાતો હોવાથી ભરી લીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ચિઠ્ઠી મળતાં જ પરિવારજનો દ્વારા સમાજ તેમજ ગામના પંચોને જાણ કરાતા આ બાબતે આડેસર પોલીસ મથકે રજુઆત કરાઈ હતી. જેથી સુસાઇડ નોટના આધારે તેમજ પરિવારજનોની માંગને ધ્યાને લઈને સ્મશાન ખાતે સગીરાનો મૃતદેહ બહાર કાઢીને તેને પલાંસવા સીએચસી ખાતે ખસેડાયો હતો. જ્યાંથી વધુ તપાસ માટે મૃતદેહને જામનગર ખાતે પીએમ અર્થે મોકલાવ્યો હતો.
સુસાઇડ નોટ સગીરાએ જ લખી છે કે નહીં તેની ખાત્રી માટે સુસાઇડ નોટની ચીઠ્ઠી ચકાસણી માટે લેબમાં મોકલાઈ છે. દરમ્યાન રાત્રે મળતા અહેવાલ પ્રમાણે શિક્ષિકા જિજ્ઞાશાબેન ચૌધરી સામે મરવા માટે મજબુર કરવાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સ્યુસાઇડનોટમાં લખ્યુ હતું કે, મારા મોતની કારણ જિજ્ઞાસા બેન છે તે મને હંમેશા ટોચર કરતા હતા ઘડી વડી સંભળાવતા અને મને હાથ દેખાડતા પાસ નકામી કરી મને તે ઘડી ઘડી સંભળાવતા હું આ બંધુ સહન નહી કરી શકુ એટલે મેં આ પગલુ ભર્યુ છે.