Last Updated on by Sampurna Samachar
રાન્યાના પિતાને ફરજિયાત રજા પર મોકલાયા
આરોપી આ વર્ષે જાન્યુઆરીથી ૨૭ વખત દુબઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોનાની દાણચોરી કેસમાં પકડાયેલ અભિનેત્રી રાન્યા રાવ (RANYA RAO) ના મામલાને લઇ અપડેટ આવી છે. એક્ટ્રેસ રાન્યા રાવના પિતા DGP રામચંદ્ર રાવ પર પણ શંકાના ઘેરામાં આવી ગયા છે. કર્ણાટક સરકાર દ્વારા શરૂ કરાયેલી તપાસ બાદ તેમને ફરજિયાત રજા પર મોકલી દેવામાં આવ્યા છે.
જણાવી દઈએ કે, વરિષ્ઠ પોલીસ અધિકારીની દીકરી કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવને DRI એ ૪ માર્ચ, ૨૦૨૫ ના દિવસે બેંગલુરૂના કેમ્પેગોડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ધરપકડ કરી હતી. તે દુબઈથી ૧૪.૮ કિલોગ્રામ સોનાની દાણચોરી કરીને લાવવાનો પ્રયાસ કરી રહી હતી. આ સોનાની કિંમત લગભગ ૧૨ કરોડ રૂપિયા છે. રાન્યા રાવે ૬ માર્ચ, ૨૦૨૫ ના રોજ બેંગલુરુમાં DRI ના એડિશનલ ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં દાવો કર્યો હતો કે તેમના પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
કોર્ટે રાન્યાને જામીન આપવાનો ઇનકાર કર્યો
ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ(DRI)એ કોર્ટને જણાવ્યું હતું કે, કર્ણાટક પોલીસ પ્રોટોકોલ ઓફિસરનો ઉપયોગ રાન્યા રાવ સાથે જોડાયેલી સોનાની દાણચોરી ગેંગમાં થતો હતો. રાન્યાને જામીન આપવા સામેની દલીલમાં, કેન્દ્રીય એજન્સીએ આર્થિક ગુનાઓ માટેની વિશેષ અદાલતને જણાવ્યું હતું કે આરોપી આ વર્ષે જાન્યુઆરીથી ૨૭ વખત દુબઈ ગઈ છે.
DRI એ જણાવ્યું હતું કે, ‘અત્યાર સુધીની તપાસમાં સોનાની દાણચોરીમાં ઉપયોગમાં લેવાતી મોડસ ઓપરેન્ડી, સુરક્ષાને બાયપાસ કરવા માટે રાજ્ય પોલીસ પ્રોટોકોલ ઓફિસરનો ઉપયોગ, સોનું ખરીદવા માટે ભારતમાંથી દુબઈમાં પૈસા ટ્રાન્સફર કરવા માટે હવાલા વ્યવહારો અને એક મોટી ગેંગની સંડોવણીનો ખુલાસો થયો છે.‘ આ દલીલો બાદ, કોર્ટે રાન્યાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.
DRI ના એડિશનલ ડાયરેક્ટર જનરલને લખેલા પત્રમાં રાન્યાએ ખુદને નિર્દોષ જણાવતા કહ્યું કે, ‘મને ખોટા કેસમાં ફસાવવામાં આવી છે. મારી વિમાનની અંદરથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી અને DRI એ મને સ્પષ્ટીકરણ આપવાની તક આપ્યા વિના ધરપકડ મારી ધરપકડ કરી લીધી હતી. જ્યારે મારી અટકાયત કરવામાં આવી, ત્યારથી લઈને કોર્ટમાં રજૂ કરવા સુધી મને શારીરિક રૂપે પ્રતાડિત કરવામાં આવી હતી. જે અધિકારીઓને હું ઓળખી શકું છું ૧૦-૧૫ વાર થપ્પડ માર્યા. વારંવાર મારપીટ છતાં મેં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલાં નિવેદનો પર સહી કરવાનો ઈનકાર કરી દીધો.‘