Last Updated on by Sampurna Samachar
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ ઇન્સ્ટ્રાગ્રામ પર પોસ્ટ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા હાલમાં વિવાદોમાં ઘેરાયેલા છે. તેમના શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં અપશબ્દોના ઉપયોગને લઈને તેમની ભારે ટીકા થઈ રહી છે. આ મામલો એટલો વધી ગયો છે કે તેમના વિરુદ્ધ FIR પણ નોંધાઈ છે અને પોલીસ તપાસ ચાલી રહી છે.

આ દરમિયાન રણવીર અલ્હાબાદિયાના ગાયબ થવાની અફવાઓ પણ સોશિયલ મીડિયા પર ફેલાઈ રહી હતી. જોકે, હવે રણવીરે પોતે સામે આવીને સ્પષ્ટતા કરી છે કે તે ભાગી રહ્યા નથી અને તપાસમાં સહયોગ કરશે.
રણવીરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, “મારી ટીમ અને હું પોલીસ અને અન્ય અધિકારીઓ સાથે તપાસમાં સહયોગ કરી રહ્યા છીએ. હું પ્રોસેસને ફોલો કરીશ અને હજુ એજન્સી માટે ઉપલબ્ધ રહીશ.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “માતા-પિતા વિશે મારી ટિપ્પણીઓ અસંવેદનશીલ અને અયોગ્ય હતી. સુધરવું એ મારી નૈતિક જવાબદારી છે અને મને ખરેખર દુઃખ છે.”રણવીરે પોતાની પોસ્ટમાં એ પણ જણાવ્યું છે કે કેવી રીતે લોકો તેમને અને તેમના પરિવારને પરેશાન કરી રહ્યા છે, જેના કારણે તેઓ ભયભીત છે.
તેમણે લખ્યું છે કે, “હું લોકો પાસેથી જાનથી મારી નાખવાની ધમકીઓ આવતી જોઈ રહ્યો છું, જ્યાં તેઓ કહી રહ્યા છે કે તેઓ મને મારવા ઈચ્છે છે અને મારા પરિવારને નુકસાન પહોંચાડવા ઈચ્છે છે. લોકો દર્દી બનવાનું નાટક કરીને મારી માતાના ક્લિનિકમાં ઘૂસી આવ્યા હતા. હું તો ભયભીત છું અને મને નથી ખબર કે શું કરવું જોઈએ. પરંતુ હું ભાગી નથી રહ્યો. મને પોલીસ અને ભારતની ન્યાય પ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ છે.”