Last Updated on by Sampurna Samachar
રણવીરે ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં કરી હતી ટિપ્પણી
કમિશન દ્વારા ખૂબ જ આકરા સવાલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર રણવીર અલ્હાબાદિયાએ માફી માંગી અને કહ્યું કે પહેલી અને છેલ્લી વાર ભૂલ કરી છે. રણવીરે યુ-ટ્યૂબના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં હાજરી આપી હતી. આ શોને સમય રૈના દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. આ શોમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ રણવીર (RANVIR) સામે મહારાષ્ટ્ર સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવી છે. આ માટે રણવીરે ધ નેશનલ કમિશન ફોર વિમેન સામે માફી માંગી છે.
ન્યૂઝ એજન્સી દ્વારા હાલમાં જ એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકર આ ઘટનાને ખૂબ જ અભદ્ર કહી રહ્યા છે. જનતા અને મહિલા કમિશન બન્ને માટે આ સ્વીકાર્ય નથી. આ વિશે વિજયા રહાટકરે કહ્યું કે, ‘શોમાં જે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ અભદ્ર છે. કમિશન માટે આ ભાષા ક્યારેય સ્વીકાર્ય નથી. આ ભાષા જનતા હોય કે કમિશન, કોઈ માટે પણ સ્વીકાર્ય નથી. હું એનો વિરોધ કરું છું. સમાજ પર એની શું અસર પડે, એને ધ્યાનમાં રાખીને આયોગ દ્વારા તરત પગલાં લેવાયા હતા અને તેમને નોટિસ મોકલાઈ હતી’
મહિલા કમિશનની નોટીસ મળી
મહિલા કમિશનની નોટીસ મળતાં જ રણવીર અલ્હાબાદિયા અને અપૂર્વા મુખિજાએ તેમની સામે હાજરી આપી હતી. એ સમયે તેમની સાથે શોના પ્રોડ્યૂસર સૌરભ બોથરા અને તુષાર પૂજારી પણ હાજર હતા. કોમેડિયનના વકીલ જસપ્રીત સિંહ અને યુ-ટ્યૂબર આશિષ ચંચલાનીએ પણ તેમની સાથે હાજરી આપી હતી.
રણવીર અને અપૂર્વાને કમિશન દ્વારા ખૂબ જ આકરા સવાલો કરવામાં આવ્યા હતા. આ વિશે વિજયા રહાટકરે કહ્યું કે, ‘તેઓ જ્યારે આવ્યા હતા ત્યારે તેમણે શોમાં જે શબ્દનો ઉપયોગ કર્યો એ માટે ખૂબ જ શરમ અનુભવી હતી. તેમણે એ પણ સ્વીકાર્યુ હતું કે તેમણે આ પ્રકારના શબ્દનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેમણે ભૂલ કરી છે.’
આ વિશે વાત કરતાં વિજયા રહાટકરે કહ્યું કે, ‘તેમણે ખાતરી આપી છે કે, આ પહેલી અને છેલ્લી વાર તેમણે આવી ભૂલો કરી છે. રણવીર અલ્હાબાદિયા અને અન્યોએ જે બોલ્યું છે તે પાછું નહીં લઈ શકાય. જોકે તેમણે એ વાતની ખાતરી આપી છે કે તેઓ હવે તેમના શબ્દોને લઈને ખૂબ જ સાવચેત રહેશે અને મહિલાઓનો સન્માન કરશે.’