Last Updated on by Sampurna Samachar
આ છૂટ ૨ જી માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની રહેશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્ય સરકારના સરકારી વિભાગો અને સાર્વજનિક ક્ષેત્રના એકમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને પવિત્ર રમઝાન માસ દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે ૪ વાગ્યે જવાની છૂટ મળશે તેવી માહિતી મળી છે. આ છૂટ ૨ જી માર્ચથી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીની રહેશે. તેલંગાણા સરકારે રમઝાન મહિનામાં મુસ્લિમ કર્મચારીઓને વહેલા ઓફિસ છોડવાની છૂટ આપી છે.
રાજ્ય સરકારે તમામ સરકારી વિભાગો, સાર્વજનિક ક્ષેત્રો અને શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ મુસ્લિમ કર્મચારીઓને રમઝાનના પવિત્ર માસ દરમિયાન એક કલાક વહેલા એટલે કે સાંજે ૪ વાગ્યે તેમની ઓફિસો અને શાળા છોડવાની મંજૂરી આપી છે. આ છૂટ ૨ માર્ચ, ૨૦૨૫ થી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે.
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, આ ર્નિણય સરકારી મુસ્લિમ કર્મચારીઓ, શિક્ષકો, કરાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ તેમજ બોર્ડ, કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને પણ લાગુ પડે છે. આ પગલાનો હેતુ રમઝાન દરમિયાન ધાર્મિક વિધિઓ અને આવશ્યક પ્રાર્થનાઓને વધુ સુવિધાજનક બનાવવાનો છે. આ વખતે રમઝાન મહિનો ૨૮ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે જે ૨૯ માર્ચ સુધી ચાલશે.
ભાજપના અમિત માલવિયાએ તેને તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી છે. X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું, ‘તેલંગાણા સરકારે રમઝાન દરમિયાન મુસ્લિમ કર્મચારીઓ માટે કામના કલાકોમાં છૂટછાટને મંજૂરી આપી છે. જ્યારે હિંદુઓ નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરે છે, ત્યારે તેમને ક્યારેય આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી. આ ર્નિણય કોઈ એક સમુદાયની ધાર્મિક માન્યતાઓ પ્રત્યે સંવેદનશીલ હોવા અંગેનો નથી, પરંતુ તેને માત્ર મતબેંક સુધી મર્યાદિત રાખવાનો છે. આનો વિરોધ થવો જાઈએ.
ઇસ્લામિક કેલેન્ડરનો નવમો મહિનો રમઝાન મહિનો કહેવાય છે. આ મહિનાની શરૂઆત ચાંદ દેખાયા બાદ થાય છે. રમઝાન દરમિયાન, મુસ્લિમ લોકો રોઝા રાખી અલ્લાહની ઈબાદત કરે છે. રમઝાન મહિનો પૂરો થયા બાદ સમગ્ર વિશ્વમાં ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. રમઝાનમાં, મુસ્લિમો દિવસભર રોઝા રાખવા માટે સૂર્યોદય પહેલા જ સેહરી ખાઈ લે છે, ત્યારબાદ તેઓ આખો દિવસ ભૂખ્યા અને તરસ્યા રહે છે અને ખુદાના નામનો જાપ કરે છે. સાંજે ઈફ્તાર દરમિયાન રોઝા ખોલવામાં આવે છે.
ઇસ્લામિક માહિતી અનુસાર, રોઝા રાખવા એ એ ઇસ્લામના પાંચ મૂળભૂત સિદ્ધાંતોમાંથી એક છે. તમામ મુસ્લિમો માટે આ પાંચ સિદ્ધાંતોનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પાંચ સિદ્ધાંતોમાં નમાઝ, દાન, આસ્થા, હજ અને રોઝાનો સમાવેશ થાય છે.