રામ મંદિરને લઇ હવે નવી ટીકા
રામભદ્રાચાર્યએ સંઘ અને ભાગવત પર ગંભીર આરોપો લગાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
મંદિર-મસ્જિદનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે આ અંગે શરૂ થઈ રહેલા નવા વિવાદોને લઈને ટિપ્પણી કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે તેઓ નવી જગ્યાએ સમાન મુદ્દા ઉઠાવીને હિન્દુઓના નેતા બની શકે છે. જે અસ્વીકાર્ય છે. એવામાં હવે રામભદ્રાચાર્યની આ અંગે પ્રતિક્રિયા સામે આવી છે અને સંઘ અને ભાગવત પર ગંભીર આરોપો લગાવ્યા છે.
મોહન ભાગવતે કહ્યું હતું કે, દરરોજ એક નવો મામલો સામે આવી રહ્યો છે. આને કેવી રીતે મંજૂરી આપી શકાય? આ ચાલુ રાખી શકાતું નથી.’ તેના પર રામભદ્રાચાર્યએ કહ્યું છે કે, મોહન ભાગવત એક સંસ્થાના સંચાલક છે, તેઓ હિન્દુ ધર્મના સંચાલક નથી. મોહન ભાગવતના નિવેદનો દુરંદેશી નહિ પરંતુ વ્યક્તિગત હોય શકે છે. મોહન ભાગવત પોતાની રાજનીતિ કરે છે.’ રામભદ્રાચાર્યએ પણ રામ મંદિરને લઈને ઘણી મહત્વપૂર્ણ વાતો કહી છે.
તેમણે કહ્યું કે રામ મંદિર નિર્માણમાં સંઘની કોઈ ભૂમિકા નથી. સંઘ ન હતો ત્યારે પણ હિન્દુ ધર્મ હતો. રામમંદિર આંદોલનમાં તેમની કોઈ ભૂમિકા નથી, ઈતિહાસ આનો સાક્ષી છે. અમે જુબાની આપી, તેમજ અમે ૧૯૮૪થી સંઘર્ષ કર્યો, આમાં સંઘની કોઈ ભૂમિકા નથી. સંભલમાં શરૂ થયેલા મંદિર-મસ્જિદ વિવાદ પર રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘અમને અમારો ભૂતકાળ જોઈએ છે, સહઅસ્તિત્વનો અર્થ એ છે કે દરેક વ્યક્તિએ તેમના ધર્મનું પાલન કરવું જોઈએ, જો તેઓએ અમારી મસ્જિદો તોડી પાડી છે તો આપણે મંદિર જોઈએ જ જોઈએ.’
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે મહાનુભાવ આશ્રમ શતકપૂર્તિ સમારોહમાં ધર્મનો સાચો અર્થ સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ‘ધર્મને યોગ્ય રીતે સમજવો અને શીખડાવવો ખૂબ જ જરૂરી છે. ધર્મનું અધૂરું જ્ઞાન ‘અધર્મ’ તરફ દોરી જાય છે. જો ધર્મને યોગ્ય રીતે નહીં સમજાય તો અધૂરી માહિતીને કારણે અનીતિ વધશે. દુનિયામાં ધર્મના નામે જે પણ અત્યાચાર થયા છે, તે ધર્મની ખોટી સમજને કારણે થયા છે.’
આ અંગે રામભદ્રાચાર્યએ કહ્યું કે, ‘મોહન ભાગવત હિન્દુઓના અનુશાસનવાદી ન હોઈ શકે, તેઓ હિંદુ ધર્મ વિશે બહુ જાણતા નથી. દરેક વ્યક્તિને તેના ધર્મનું પાલન કરવાનો અધિકાર છે. તેમનું નિવેદન દુર્ભાગ્યપૂર્ણ છે.’ સંઘ માત્ર રાજકારણનો રોટલો શેકે છે, જ્યારે સંઘ ન હતો ત્યારે હિન્દુ ધર્મ હતો. મંદિર-મસ્જિદ પર રામભદ્રાચાર્યએ કહ્યું કે અમે કોઈને છંછેડીશું નહીં, પણ કોઈ અમને છંછેડશે તો પણ અમે તેને છોડીશું નહીં. અમને ફક્ત અમારા અધિકાર જોઈએ છે, તેમનો નહીં.’